બંદાસિંહ બહાદુર


જ. ૨૭ ઑક્ટોબર, ૧૬૭૦ અ. ૯ જૂન, ૧૭૧૬

ખાલસા સેનાના અગ્રિમ શીખ લશ્કરી કમાન્ડર બંદાસિંહનો જન્મ રાજૌરીમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લચ્છમન દેવ હતું. તેમણે નાની ઉંમરે ઘોડેસવારી, કુસ્તી, તીરંદાજી અને તલવારબાજી જેવી કળાઓ સિદ્ધહસ્ત કરી હતી. જાનકીપ્રસાદ નામના તપસ્વીને મળ્યા પછી તેમણે ૧૫ વર્ષની ઉંમરે તપસ્વી બનવા ઘર છોડ્યું. તેમનું નામ માધોદાસ બૈરાગી રાખવામાં આવ્યું. તેમણે ગોદાવરી નદીના કિનારે નાંદેડમાં ડેરા સ્થાપ્યો. ૧૭૦૮માં ગુરુ ગોવિંદસિંહ માધોદાસને મળ્યા. માધોદાસ તેમના શિષ્ય બન્યા અને તેમનું નામ ગુરબક્ષસિંહ રાખવામાં આવ્યું. જે આગળ જતાં બંદાસિંહ બની ગયું. ગોવિંદસિંહે તેમને ‘બહાદુર’નું બિરુદ આપ્યું. લડાઈ માટે તેમણે બંદાસિંહને પાંચ તીર આપ્યાં અને રાજકીય તથા લશ્કરી અધિકાર આપ્યો. બંદાસિંહે સોનીપત પર હુમલો કર્યો અને જીત મેળવી. તેમણે શાહી ખજાનો અને ધનિકોને લૂંટ્યા અને સઘળી સંપત્તિ વહેંચી દીધી. તેમણે મુઘલોની પ્રાંતીય રાજધાની સામના જીતી અને પંજાબમાં સત્તા સ્થાપી. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને જમીન ખેડનારાઓને મિલકતના અધિકારો આપ્યા. તેમણે સરસિંહનો સમગ્ર વિસ્તાર અને તેના ૨૮ પરગણા પર વિજય પ્રાપ્ત કર્યો. તેનું સામ્રાજ્ય સતલજથી યમુના સુધી અને શિવાલિક પર્વતથી કુંજપરા, કરનાલ અને કૈથલ સુધી વિસ્તરેલું હતું. તેમણે મુખ્લીસગઢને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ લોહગઢ રાખ્યું. ત્યાં તેમણે પોતાની ટંકશાળમાં સિક્કા બહાર પાડ્યા. ૧૭૧૫માં મુઘલસેનાએ ગુરદાસ નાંગલમાં ઘેરો કર્યો અને બંદાસિંહ અને તેમના સાથીઓને પકડી લીધા. બંદાસિંહને લોખંડના પાંજરામાં પૂરી દિલ્હી લાવવામાં આવ્યા. બંદાસિંહને તેમના ચાર વર્ષના પુત્ર અજયસિંહને મારી નાખવાનું કહેવામાં આવ્યું. બંદાસિંહે ના પાડી તેથી પુત્રને ફાંસી આપવામાં આવી અને તેનું હૃદય કાપીને બંદાસિંહના મોંમાં નાખવામાં આવ્યું. ત્રણ માસની કેદ પછી બંદાસિંહની આંખો કાઢી નાખવામાં આવી. તેમનાં અંગો કાપી નાખવામાં આવ્યાં. તેમની ચામડી ઉતારવામાં આવી. અતિશય ત્રાસ આપીને તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.