રસ્તા પર ચાલતો માનવી ખરેખર રસ્તા પર ચાલે છે ખરો ? એના પગ એ માર્ગ પર આગળ ચાલવાની ક્રિયા કરતા હોય છે, પરંતુ માત્ર પગ જ ચાલતા હોય છે. આખો માનવી ચાલતો હોતો નથી. ચાલતી વખતે જરા, એને જોશો તો એ મનથી કશુંક વિચારતો હોય છે. એ વિચારને આધારે ચાલવાની સાથે હાથ વીંઝતો હોય છે અને હોઠ ફફડાવતો હોય છે. ચાલતી વખતની માણસની ચેષ્ટા એના અંદરના વિચારની ચાડી ખાતી હોય છે. એનું રસ્તા પરનું ચાલવું એ માત્ર બાહ્ય ક્રિયા છે. એની અંદર-ભીતરમાં બીજું ઘણું જ ચાલતું હોય છે. ભોજન કરવા બેઠેલી વ્યક્તિને જરા ઝીણવટથી જોશો તો એ કોળિયા ખાતી હોય છે, પણ એનું મન તો કોળિયામાં કે ભોજનમાં હોતું નથી. માત્ર ભોજનના સ્વાદની પરીક્ષા કરવા માટે એ જ્યારે પ્રયાસ કરે છે, એટલી જ ક્ષણ એનું મન ભોજનમાં રત હોય છે. બાકીનો બધો સમય એ મોંમાં કોળિયો મૂકતી હોય છે, પણ યંત્રવત્ રીતે. એનું મન સાવ જુદી જ બાબત વિચારતું હોય છે. આ રીતે માણસને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે છે કે જે કંઈ કરે છે તે ઉપર-ઉપરનું છે, ક્રિયામાત્ર છે. એનો આ દ્વિમુખી ભાવ એને ચાલવાનો આનંદ કે ભોજનની મજા આપતો નથી. એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન રહે છે અને તેથી એ એકાગ્રતા સાધી શકતો નથી. પરિણામે એ ભોજન કરે છે ત્યારે એને દુકાનના વિચારો આવે છે અને દુકાને જાય છે ત્યારે ભોજનના વિચારો સતાવે છે. જે કાર્ય કરે તેમાં ડૂબી જતો નથી તેથી એના આનંદથી વંચિત રહે છે. ઘરમાં કે બહાર વ્યવસાયમાં કે અધ્યાત્મમાં સઘળે આ એકલક્ષિતા ફળદાયી બનતી હોય છે. જે ડૂબી જાય છે તે જ એકલક્ષિતા કેળવી શકે છે.
કુમારપાળ દેસાઈ
