મણિલાલ ગાંધી


જ. ૨૮ ઑક્ટોબર,૧૮૯૨ અ. ૫ એપ્રિલ, ૧૯૫૬

ગાંધીજીના પુત્ર, સ્વાતંત્ર્યસેનાની અને પત્રકાર-સંપાદક મણિલાલ ગાંધીનો જન્મ રાજકોટમાં થયો હતો. જન્મભૂમિ ભારત, પરંતુ કર્મભૂમિ દક્ષિણ આફ્રિકા રહ્યું. તેઓ શરૂઆતનાં વર્ષો રાજકોટમાં રહ્યા. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પરિવાર સાથે તેઓ પણ ગયા. ગાંધીજી ઔપચારિક શિક્ષણમાં માનતા ન હતા, આથી મણિલાલનું શિક્ષણ ઘરે જ થયું. તેઓ ફોનિક્સ સેટલમેન્ટ અને ટૉલ્સ્ટૉય ફાર્મમાં રહ્યા.  તેઓ નાનપણથી ફોનિક્સમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરવાનું શીખ્યા. તેઓ ૧૯૧૦માં સત્યાગ્રહમાં જોડાયા અને ૧૯૧૩ સુધીમાં ચાર વખત જેલવાસ ભોગવ્યો. તેમણે ફોનિક્સમાં ખેતીકામ, વૃક્ષો અને બીમાર લોકોની સંભાળ લેવાનું કામ કર્યું. જેલવાસ દરમિયાન જેલની સ્થિતિ સુધારવા માટે ભૂખહડતાળ કરી હતી. ભારતમાં આવીને અમદાવાદમાં ગાંધીજી માટે આશ્રમ શોધવામાં મદદ કરી અને ખાદીના ઉત્પાદનનું કાર્ય શીખ્યા. ‘ઇન્ડિયન ઓપિનિયન’ સંભાળવા માટે ૧૯૧૭માં દક્ષિણ આફ્રિકા ગયા. એક પણ રૂપિયાનું મહેનતાણું લીધા વગર તેમણે સંપાદક તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્ય કર્યું. તેમણે ૧૯૨૭માં કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે લગ્ન કર્યાં. તેઓ ૧૯૨૯માં ભારત આવ્યા અને સ્વતંત્રતાઆંદોલનમાં જોડાયા. ૧૯૩૦ની દાંડીકૂચમાં ગાંધીજી સાથે જનારા ૭૮ સત્યાગ્રહીઓમાંના એક તેઓ હતા. તેમણે ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો આથી દસ મહિનાની જેલની સજા ભોગવી હતી. તેઓ ફરી દક્ષિણ આફ્રિકા ગયા. તેઓ નિષ્ક્રિય પ્રતિકાર સંઘર્ષમાં જોડાયા અને ૨૩ દિવસ જેલમાં રહ્યા. તેમણે એશિયાટિક લૅન્ડ ટેન્યર (Ghetto) ઍક્ટ વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ૧૯૪૮માં ટ્રાન્સવાલ સરહદપાર કૂચ કરનારાઓનું નેતૃત્વ કર્યું. ૧૯૫૧માં તેમણે રંગભેદ કાયદાઓ સામે વિરોધ કરવા વ્યક્તિગત ઝુંબેશ શરૂ કરી. તેમણે આજીવન અહિંસા અને સત્યાગ્રહના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું.