અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં આવેલી સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા.
એક અંગ્રેજ વૈજ્ઞાનિક જેમ્સ સ્મિથસન, જેઓ ૧૮૨૯માં અવસાન પામ્યા. તેમણે પોતાની મિલકત પોતાના સ્વજન હેન્રી જેમ્સ હંગરફૉર્ડને આપેલી. ૧૮૩૫માં આ હેન્રી પણ અવસાન પામ્યા. આથી જેમ્સ સ્મિથસનના વિલ પ્રમાણે બધી મિલકત અમેરિકાને વૉશિંગ્ટનમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન બનાવવા માટે આપવામાં આવી. આમ અમેરિકન સંસદે ૧૮૩૮માં તેનો આરંભ કર્યો. ત્યારબાદ ૧૮૪૬માં તેની સ્થાપના વૉશિંગ્ટન ડી.સી.માં એક ભવનમાં કરવામાં આવી. શરૂઆતમાં ભવનમાં કેવળ સંગ્રહાલય હતું. આજે તે શિક્ષણ, મનોરંજન અને સંશોધનનું વિરાટ ક્ષેત્ર છે. ઓગણીસ મ્યુઝિયમ અને ગૅલરીઓ તથા ધ નૅશનલ ઝૂઓલૉજિકલ પાર્ક સ્મિથસોનિયનના વહીવટ હેઠળ છે. તેમાંનાં અગિયાર મ્યુઝિયમો ધ નૅશનલ મૉલમાં અને બાકીનાં બીજાં વૉશિંગ્ટન ડી.સી. ન્યૂયૉર્ક સિટી અને ચેન્ટિલી(વર્જિનિયા)માં આવેલાં છે.

સ્મિથસોનિયન મ્યુઝિયમની અંદરનું પ્રદર્શન
આ ઉપરાંત બીજાં ૩૯ રાજ્યોમાં આવેલાં ૧૬૮ મ્યુઝિયમો પણ સ્મિથસોનિયન સાથે સંકળાયેલાં છે. વળી આ સંસ્થાનાં હરતાં-ફરતાં પ્રદર્શનો પણ મોટી સંખ્યામાં છે. ૨૦૦૮માં આવાં અઠ્ઠાવન પ્રદર્શનો આખા દેશમાં ૫૧૦ જગ્યાએ રજૂ કરવામાં આવેલાં. સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટના વહીવટ હેઠળનું ધ કૂપર હ્યૂઇટ મ્યુઝિયમ સુશોભનાત્મક કલા અને ડિઝાઇનનો વિશ્વનો એક વિશાળ સંગ્રહ ધરાવે છે. ધ મેટ્રૉપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ વિશ્વનું એક અગ્રણી મ્યુઝિયમ લેખાય છે. તેમાં વિશ્વની કલાના પ્રત્યેક ક્ષેત્રની મહત્ત્વની નમૂનારૂપ કૃતિઓનો સંગ્રહ છે. ધ મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં આધુનિક યુરોપિયન અને અમેરિકન કલાની કૃતિઓનો વિશ્વનો સૌથી વિશાળ ભંડાર છે. વ્હિટની મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્ટના કલાસંગ્રહમાં ઓગણીસમી સદીની કૃતિઓથી માંડીને અતિ આધુનિક અગ્રેસરોની કૃતિઓનું વૈવિધ્ય છે. ધ હિરશૉન મ્યુઝિયમ ઍન્ડ ધ સ્કલ્પ્ચર ગાર્ડનમાં ઓગણીસમી અને વીસમી સદીની કૃતિઓનો નોંધપાત્ર સંગ્રહ છે. તેમાં મુખ્યત્વે શિલ્પકૃતિઓ પર વિશેષ ઝોક છે. અહીં શિલ્પો ખુલ્લી જગ્યામાં પ્રદર્શિત કરાયાં છે. ધ ફ્રિક કલેક્શનમાં ૧૪મીથી ૧૯મી સદીનાં યુરોપિયન ચિત્રોનો સંગ્રહ છે. ધ ગુગનહાઈમ મ્યુઝિયમમાં ઓગણીસમી અને વીસમી સદીની કલાનો સંગ્રહ છે. ધ નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટમાં યુરોપિયન ચિત્રો અને શિલ્પોનો વિશાળ ભંડાર છે. સ્મિથસોનિયનના ઐતિહાસિક સંગ્રહાલયમાં અમેરિકાના પ્રેસિડેન્ટોની પત્નીઓએ પહેરેલાં વસ્ત્રો, પ્રેસિડેન્ટ લિંકને પહેરેલી સ્ટૉવ પાઇપ હેટ, અમેરિકનો ૧૮૧૨ના વિશ્વયુદ્ધ દરમિયાન ફૉર્ટ મેક્હેન્રી પર લહેરાવામાં આવેલો રાષ્ટ્રવજ, ઍલેક્ઝાંડર ગ્રેહામ બેલે શોધેલો સૌથી પહેલો ટેલિફોન, રાઇટ બ્રધર્સે ઉડાવેલું સૌથી પહેલું વિમાન અને રહસ્યમય એવો હોપ-ડાઇમન્ડ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.
રાજશ્રી મહાદેવિયા
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન, પૃ. 87)
