આચાર્ય નરેન્દ્રદેવ


જ. ૩૦ ઑક્ટોબર, ૧૮૮૯ અ. ૧૯ ફેબ્રુઆરી, ૧૯૫૬

ભારતના પ્રમુખ સ્વાતંત્ર્યસેનાની, સાહિત્યકાર, પત્રકાર તથા શિક્ષાવિદ નરેન્દ્ર દેવનો જન્મ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ખત્રી પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ સ્વામી રામતીર્થ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત દીનદયાળ શર્માના સંપર્કમાં રહેવાનો મોકો મળેલો. આથી મનમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિ અનુરાગ. તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની ઉપાધિ મેળવેલી, પછી કાશીની ક્વીન્સ કૉલેજમાં પુરાતત્ત્વનો અભ્યાસ કર્યો. ૧૯૧૩માં એમ.એ.ની ઉપાધિ પણ મેળવી. રાજનીતિમાં રસ ધરાવતા હોવા છતાં પરિવારના આગ્રહથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૦ સુધી ફૈજાબાદમાં વકીલાત કરી. દેશમાં અસહયોગ આંદોલનના પ્રારંભ પછી જવાહરલાલની સૂચના અને મિત્ર શિવપ્રસાદ ગુપ્તના આમંત્રણથી કાશી વિદ્યાપીઠ આવ્યા. અહીં ડૉ. ભગવાનદાસની અધ્યક્ષતા હેઠળ કાર્ય શરૂ કર્યું અને ૧૯૬૨માં પોતે પણ અધ્યક્ષ બન્યા. ત્યારથી આચાર્યની ઉપાધિ તેમના નામનું એક અંગ બની ગઈ. નાદુરસ્ત તબિયત રહેતી હોવા છતાં ૧૯૩૦માં ‘મીઠાના સત્યાગ્રહ’ તથા ૧૯૩૨માં આંદોલનમાં ભાગ લીધો આથી કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા તથા અન્ય સહયાગીઓ સાથે મળીને કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. ૧૯૪૮માં પાર્ટીના સંમેલનમાં અધ્યક્ષતા કરી. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉત્તરપ્રદેશની માધ્યમિક શિક્ષા સમિતિની અધ્યક્ષતા કરી ઘણાં મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યાં હતાં. સંસ્કૃત ભાષા ભણાવવાનો તેમનો આગ્રહ રહેતો. બૌદ્ધ ધર્મના અનુરાગી હોવાથી ‘અભિધર્મકોશ’ પ્રકાશિત કરાવ્યું હતું. ‘અભિધમ્મત્થસંહહો’નું હિંદી ભાષાંતર કરેલું. વળી પ્રાકૃત તથા પાલિ વ્યાકરણ હિંદીમાં તૈયાર કર્યું હતું પણ આકસ્મિક નિધન થવાથી અમુક રચનાઓ પ્રાપ્ત થતી નથી. તેઓએ ‘વિદ્યાપીઠ’ ત્રૈમાસિક પત્રિકા, ‘સમાજ’ ત્રૈમાસિક, ‘જનવાણી’ માસિક, ‘સંઘર્ષ‘ અને ‘સમાજ’ સાપ્તાહિકોનું સંપાદન કરેલું. તેમની રચનાઓમાં સમાજવાદ, રાષ્ટ્રીયતા અને ખેડૂતોના પ્રશ્નો મુખ્યપણે રહેતા.