ડોડા


ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે ૩૨° ૫૩´ ઉ. અ.થી ૩૪° ૨૧´ ઉ. અ. અને ૭૫° ૧´ પૂ. રે.થી ૭૬° ૪૭ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે. સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૧૦૭ મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય, દક્ષિણે કથુઆ, નૈર્ઋત્યે ઉધમપુર જિલ્લો, પશ્ચિમે રામબન જિલ્લો અને વાયવ્યે અનંતનાગ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – આબોહવા- વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : સપાટ ડુંગરધાર તથા ૬૦૦ મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે આ પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા છે. મોટા ભાગની નદીઓએ કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. અહીં મુખ્ય નદી ચિનાબ છે. આ જિલ્લામાં હિમાલય પર્વતીય હારમાળાના ઊંચાઈ ધરાવતા ડુંગરો આવેલા હોવાથી ચોક્કસ આબોહવા કહી શકાય નહીં. દરેક સ્થળે તાપમાનની વિવિધતા હોય છે. રામબન અને ડોડામા તાલુકાઓનું તાપમાન હૂંફાળું રહે છે. ખાસ કરીને ડેસા ખીણ, ભાગવા તાલુકા, મારવાહ, વારવાનક્ષેત્રો મુખ્ય છે. ઉનાળામાં વરસાદ અનુભવાતો નથી. શિયાળામાં બરફવર્ષા થતી રહે છે, પરંતુ ઊંચાઈ ધરાવતા સ્થળે કાયમ બરફવર્ષા થતી જ રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર માસનો છે. ડોડા ખાતે આ સમયમાં મહત્તમ વરસાદ પડતો હોય છે. આ જિલ્લામાં સરેરાશ વરસાદ ૯૨૬ મિમી. જ્યારે બરફવર્ષા ૧૩૫ મિમી. રહે છે. અહીં આલ્પાઈન જંગલો તથા ચરાણભૂમિનું મિશ્રણ જોવા મળે છે. મોટે ભાગે અહીં સિલ્વર ફર, ચીડ, જુનીયર અને બર્ચ જેવાં પોચા લાકડાનાં વૃક્ષો જોવા મળે છે. અનેક પ્રકારના ફૂલોના છોડ અને નાના વેલાઓ પણ અધિક છે. ઢોળાવવાળા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળતું હોવાથી પશુપાલનપ્રવૃત્તિ વિકસેલી છે. આ જંગલોમાં હરણ, સાબર, રીંછ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

ચંડીમાતાનું મંદિર

અર્થતંત્ર : આ જિલ્લામાં જમીન કાંકરા-પથ્થરવાળી હોવાથી ફળદ્રૂપતા ઓછી છે. આ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. આ જિલ્લામાં ડાંગર, મકાઈ, જવ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને કેસરની ખેતી થાય છે. આ જિલ્લાનાં આશરે ૬૦૦૦ ઘરો ખેતી સાથે સંકળાયેલાં છે. આ જિલ્લાની ૮૧૯૩ હેક્ટર ભૂમિ ઉપર તાજાં ફળોની ખેતી થાય છે. જ્યારે ૬૦૨૯ હેક્ટર ભૂમિ ઉપર સૂકાં ફળોની ખેતી થાય છે. અહીં સફરજન, અખરોટ, કીવી, પીચ, ચેરી, ખાટાં ફળો, બદામ અને ઑલિવની ખેતી થાય છે. અહીં અફીણની પણ ખેતી લેવાય છે. પરિવહન – પ્રવાસન : જમ્મુથી ૧૭૫ કિમી. અને શ્રીનગરથી ૨૦૦ કિમી. દૂર ડોડા જિલ્લામથક આવેલું છે. આ ઉપરાંત જિલ્લામાં રાજ્ય પરિવહનની બસો, ડિલક્ષ બસો – ટૅક્સી, ટેમ્પાની સુવિધા છે. ડોડા જિલ્લો ત્યાંના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં અનેક ‘પિકનિક સ્પોટ્સ’ આવેલાં છે. જેમ કે, જઈ ખીણ, ચિન્તા ખીણ, ભાલ પડરી, ખાનમટોપ, ગુલડાન્ડા, નલથી, ખેલાની ટોપ, સરોવરસૌંદર્ય માટે રિસૉર્ટ ગાથા, લાલ ધરમન, ડાલ ધરમન, ડેડની, હરિયાળી ઘાસભૂમિ, ડેહરા ટોપ, માર્ગન ટોપ, પૌલ-ડોડા-રામબન જળાશય વગેરે. યાત્રાધામોમાં કૈલાસ કુંડ, રૌશેરા માતાનું મંદિર, નાગાણી માતાનું મંદિર, સુબર નાગ મંદિર, ચંડીમાતાનું મંદિર, ગુપ્તગંગા મંદિર, વાસુકિ નાગ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તી : આ જિલ્લાની વસ્તી (૨૦૨૫ મુજબ) ૪,૯૦,૨૮૩ છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૬૮% છે. ભાદેરવાહ, ડોડા અને થાથરી ત્રણ શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮ અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોડા/)