જ. 1 નવેમ્બર, 1933 અ. 22 ફેબ્રુઆરી, 1997

રંગભૂમિ, ફિલ્મ અને ટીવીના પરદે જાજરમાન અભિનય આપનાર ઊર્મિલા ભટ્ટનો જન્મ દહેરાદૂનમાં થયો હતો. એમણે વડોદરામાં જ નૃત્યનાટકની તાલીમ લીધી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્ર સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતમાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958 દરમિયાન તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યનાં અધ્યાપિકા તરીકે તથા ત્યારબાદ વડોદરાની મ. સ. યુનિવર્સિટી સંચાલિત ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસ ખાતે અધ્યાપિકા તરીકે સંનિષ્ઠ સેવા આપી હતી. ત્યારબાદ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી. 1960માં રાજકોટની સંગીતકલા અકાદમીમાં લોકનૃત્યકાર તરીકે જોડાયાં. માર્કંડ ભટ્ટ જેવા નામી કલાકાર સાથે નાટકોમાં અભિનય કર્યો અને 1965માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે માર્કંડ ભટ્ટ સાથે ફિલ્મોમાં અભિનય પણ આપ્યો હતો. તેમણે ખ્યાતનામ દિગ્દર્શકો સાથે વિવિધ શૈલીનાં નાટકોમાં ભૂમિકાઓ ભજવી. તેમણે ભજવેલાં જાણીતાં નાટકોમાં ‘ભગવદજ્જુકીયમ’, ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’, ‘નંદિની’, ‘મરચન્ટ ઑવ્ વેનિસ’, ‘અત્ર લુપ્તા સરસ્વતી’, ‘ધરા ગુર્જરી’, ‘આણલ દે’, ‘શેતલને કાંઠે’, ‘મા’, ‘ઘૂંઘટપટ’ વગેરેનો સમાવેશ થાય છે. ચતુર્થ મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધા 1958 તથા ગુજરાત રાજ્ય નાટ્યસ્પર્ધા 1962માં તેમણે શ્રેષ્ઠ અભિનયનાં પારિતોષિક મેળવ્યાં હતાં. તેમણે 100થી વધુ હિન્દી ફિલ્મો, 75થી વધુ ગુજરાતી ફિલ્મો અને 10થી 15 રાજસ્થાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. બે દાયકા સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરી ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે બંગાળી, ભોજપુરી, હરિયાણવી વગેરે ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અભિનયક્ષેત્રે તેમણે કરેલા વિશિષ્ટ પ્રદાન બદલ 1970માં ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન, સિમલા દ્વારા તથા 1981માં ત્રિવેણી, વડોદરા દ્વારા તથા 1987માં વડોદરાની 30 જેટલી સંસ્થાઓ દ્વારા તેમને સન્માનવામાં આવ્યાં હતાં. સ્ત્રીનિકેતન, વડોદરાના પ્રમુખપદે રહી તેમણે અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ પણ કરી હતી. મુંબઈમાં તેમના ઘરમાં જ તેમની હત્યા થઈ હતી.
અમલા પરીખ
