સ્વચ્છતા


આરોગ્ય કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મનુષ્યના આંતરબાહ્ય જીવનમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ, શુદ્ધિ કે સફાઈ. ભારતીય સંસ્કૃતિ સદીઓથી સ્વચ્છતાને ધર્મ સાથે સાંકળી તેનો મહિમા દાખવતી રહી છે. હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિનો અભ્યાસ દર્શાવે છે કે પ્રાચીન કાળમાં પાણીપુરવઠા અને ગટરની સુનિયોજિત રચનાવાળાં નગરો પણ ભારતમાં હતાં. ભારતીય ધર્મશાસ્ત્રો સ્વચ્છતાના આગ્રહવાળી જીવનશૈલીનો નિર્દેશ કરે છે. મોટા ભાગના ભારતીયો સ્નાન કર્યા બાદ જ પોતાનાં દૈનિક કર્મો શરૂ કરે છે. એ મુજબ વ્યક્તિ સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, પૂજા-પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. જમ્યા પહેલાં અને પછી હાથ-મોં ધોવાં, બહારથી આવીને હાથ-પગ ધોવા, શૌચની ક્રિયા બાદ સ્નાન કરવું, ઘરમાં પ્રવેશતાં પગરખાં ઘરની બહાર મૂકવાં વગેરેમાં સ્વચ્છતાનો આગ્રહ અને તેનું પાલન જોઈ શકાય છે. સ્વચ્છતા આપણી રહેણીકરણીમાં, આપણાં રોજ-બરોજનાં કામમાં પણ જોવા મળતી હોય છે.

સ્વચ્છતા રાખવી જોઈએ તેનો નિર્દેશ કરતું એક ચિત્ર

આ રીતે નખ કાપવા, વાળ સ્વચ્છ રાખવા, આંખો ધોવી, હાથ-પગ ધોવા જેવી વ્યક્તિની અંગત સ્વચ્છતા પર સામાન્ય રીતે ઘર અને શાળામાં ધ્યાન અપાતું હોય છે. અંગત સ્વચ્છતા જેટલું જ ધ્યાન ઘરની સ્વચ્છતા પર પણ અપાતું હોય છે. રોજબરોજ ઘરની સફાઈ કરવી, શૌચાલય અને સ્નાનાગાર સ્વચ્છ રાખવાં અત્યંત જરૂરી છે. સ્વચ્છ ઘરમાં લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. વળી દિવાળી પહેલાં કે ગ્રહણ બાદ પણ ઘરની સફાઈ કરવાનો જે રિવાજ છે તે પણ સરાહનીય છે. જેટલી પોતાના ઘરની સ્વચ્છતા અંગે હોય તેટલી જ ચીવટ ઘરની બહાર જાહેર સ્થળો માટે પણ હોવી જોઈએ. જાહેર સ્થળો પર ગમે ત્યાં કચરો નાખવો, થૂંકવું, મળ-મૂત્રનો ત્યાગ કરવો જેવી કુટેવો નજરે પડે છે. આ બધાં પાછળ અનેક પરિબળો કારણભૂત હોય છે – ગરીબાઈ, અજ્ઞાન, આળસ વગેરે ઉપરાંત વધુ પડતી વસ્તી, વહીવટી તંત્રની બિનકાર્યક્ષમતા જેવાં અન્ય અનેક કારણોથી સ્વચ્છતા કે સફાઈનું કામ અવરોધાતું હોય છે. ગાંધીજી ભારતના દરેક નાગરિકને સ્વચ્છ પાણી ખોરાક અને હવા મળે તે માટે આગ્રહ રાખતા હતા. આશ્રમમાં આ કાર્યો જાતે કરી તેમણે લોકોમાં સ્વચ્છતા ને સમાનતાનો સારો દાખલો બેસાડ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વચ્છતા, પૃ. 88)