સામાન્ય રીતે નિદ્રાવસ્થા દરમિયાન વિચારો-સંવેદનો-અપેક્ષાઓ-ભાવાનુભવો વગેરેથી પ્રેરિત માનસપટ પર પ્રગટ થતો દૃશ્યાભાસ. પ્રાચીન કાળથી માનવી માટે સ્વપ્ન મહત્ત્વપૂર્ણ અને અર્થપૂર્ણ રહ્યું છે. બૅબિલોન અને ઇજિપ્તના લોકો સ્વપ્નોની નોંધ કરતા અને તેમનો અર્થ કાઢતા. ભારતમાં પણ વિચારકોએ માનવીની ચાર અવસ્થાઓમાં નિદ્રા, જાગૃતિ અને તુરીયાવસ્થા સાથે સ્વપ્નાવસ્થાનો સમાવેશ કર્યો છે.

ભગવાન મહાવીરના જન્મ પૂર્વે ત્રિશલા માતાને આવેલાં મંગલ સ્વપ્નો
સ્વપ્નમાં આવતાં વિચારો, અનુભૂતિઓ, સંવેદનાઓ અને તેમના હેતુઓ ચોક્કસપણે સમજી શકાતાં નથી; પરંતુ કેટલાક મનશ્ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો અને શરીરક્રિયાવિજ્ઞાનીઓએ સ્વપ્નોનાં વિવિધ પાસાંઓ તથા તેમના સંકેતોનું વિશ્લેષણ કરીને કેટલીક હકીકતો તારવી છે. સ્વપ્નોના વૈજ્ઞાનિક અભ્યાસને ઑનેરોલૉજી કહે છે. દરેક મનુષ્યને રોજ રાતે સ્વપ્ન આવતું હોય છે. કેટલાક એમ કહે છે કે, ‘મને સ્વપ્ન આવતાં નથી.’ તેઓને સ્વપ્ન તો આવે છે પણ તેઓ તે ભૂલી જાય છે. ઊંઘની ચાર કક્ષાઓ હોય છે. તેમાંથી પ્રથમ કક્ષાની ઊંઘ હળવી હોય છે. આ તબક્કે જ્યારે નિદ્રાધીન વ્યક્તિની આંખોની કીકીઓનાં હલનચલનો થાય ત્યારે તે સ્વપ્નો જોતો હોય છે. તેને આંખની ઝડપી ગતિ(rapid eye movement)નો તબક્કો એટલે કે ‘REM ઊંઘ’ કહે છે. આવે સમયે મગજ ખૂબ ક્રિયાશીલ હોય છે અને જાગૃતાવસ્થા સાથે કેટલીક રીતે સામ્ય ધરાવે છે. બીજી, ત્રીજી અને ચોથી કક્ષાની ઊંઘ વધારે ને વધારે ગાઢ બનતી જાય છે. નાનાં બાળકો પોતાની સોળ કલાકની ઊંઘમાંથી અડધો સમય સ્વપ્નો જોતાં હોય છે. સ્વપ્નો અનેક પ્રકારનાં હોય છે : કેટલાંક લાંબાં તો કેટલાંક ટૂંકાં, કેટલાંક વિગતવાર યાદ રહે તો કેટલાંક ભુલાઈ જાય તેવાં. અમુક સ્વપ્નો આનંદદાયક, ઉત્સાહ વધારે તેવાં તથા રસપ્રદ હોય છે; જ્યારે કેટલાંક સ્વપ્નો દુ:ખદાયક, ડરામણાં, ભયાનક, સાહસવાળાં તેમ જ અદ્ભુત હોય છે. સ્વપ્નના વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે બહારથી આપવામાં આવતી ઉત્તેજનાના પ્રભાવથી પણ કેટલાક પ્રકારનાં સ્વપ્ન આવી શકે છે. સ્વપ્નના વિષયમાં ડૉ. સિગ્મંડ ફ્રૉઇડનો આગવો મત છે.
શુભ્રા દેસાઈ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વપ્ન, પૃ. 90)
