કરણ દીવાન


જ. 6 નવેમ્બર, 1917 અ. 2 ઑગસ્ટ, 1979

ભારતીય સિનેમાજગતમાં હિન્દી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા કરણ દીવાનનો જન્મ ગુજરાનવાલા પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમને પત્રકારત્વમાં રસ પડ્યો અને તેમણે ઉર્દૂ ફિલ્મ મૅગેઝિન ‘જગત લક્ષ્મી’નું સંપાદન શરૂ કર્યું હતું. કરણ દીવાને 1939માં કૉલકાતામાં પંજાબી ફિલ્મ ‘પૂરણ ભગત’માં ‘પૂરણ’ની ભૂમિકા ભજવીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની બીજી ફિલ્મ ‘મેરા માહી’ (1941) પણ એક પંજાબી ફિલ્મ હતી. ત્યારબાદ ‘રતન’માં તેમણે પહેલી વાર હિન્દી ફિલ્મોમાં નૌશાદ માટે ગીત ગાયું હતું. જે તે સમયે બી. આર. ચોપરા લાહોરમાં ફિલ્મપત્રકાર તરીકે કામ કરતા હતા, તેમણે કરણ દીવાનને દેવિકા રાની સાથે સંપર્ક કરવામાં મદદ કરી હતી, જેમણે દીવાનને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે આનાથી દીવાનને ફિલ્મો બનાવવામાં મદદ ન મળી ત્યારે તેમણે અભિનેતાઓ અને અભિનેત્રીઓને ઉર્દૂ ઉચ્ચારણ શીખવ્યું હતું. 1944માં કરણ દીવાને એમ. સાદિક દ્વારા દિગ્દર્શિત મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ ‘રતન’માં અભિનય કર્યો હતો, જે તે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક બની હતી. 1944માં જ ‘ગાલી’ નામની સામાજિક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી હોવાનું કહેવાય છે. 1945માં ‘ભાઈજાન’ એક સફળ મુસ્લિમ સામાજિક કૌટુંબિક મેલૉડ્રામા હતી. 1947માં તેમણે ફિલ્મ ‘મહેંદી’માં અભિનય કર્યો હતો. 1948માં કરણ દીવાને ‘ફિર ભી અપના હૈ’, સ્વર્ણલતા સાથે ‘ચાંદ ચકોરી’ અને મીનાકુમારી સાથે ‘પિયા ઘર આ જા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1949માં બનેલી ભારત-પાકિસ્તાનના ભાગલાની લોકો પર અસર દર્શાવતી ફિલ્મ ‘લાહોર’માં તેમણે નરગિસ સાથે સહકલાકાર તરીકે કામ કર્યું હતું. કરણ દીવાને 1950માં છ ફિલ્મોમાં અને 1955માં આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1939થી 1979 સુધીમાં સિત્તેરથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘જ્યૂબિલી સ્ટાર’ તરીકે ઓળખાતા હતા. તેમની વીસ ફિલ્મો સિલ્વર જ્યૂબિલી તરીકે હિટ રહી હોવાનું કહેવાય છે. સોહનલાલ કંવરની ‘આત્મારામ’ (1979) તેમની છેલ્લી ફિલ્મ હતી.