: કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો ટાપુ અને સ્વતંત્ર દેશ.
ભૌગોલિક સ્થાન : 15O 30´ ઉ. અ. અને 61O 20´ પ. રે.. વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું રક્ષિત રાજ્ય હતું. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર આવેલ છે. આ પર્વતમાળા જંગલોથી છવાયેલી અને ઉત્તરથી દક્ષિણ તરફ પથરાયેલી છે, જે મોરને ડાયબ્લોટીન (આશરે 1447 મી) પાસે પૂરી થાય છે. આ વિસ્તારમાં પશ્ચિમે વહેતી તેઓયુ નદી તેમજ પૂર્વમાં વહેતી પગુઆ અને કેસેલબ્રુસ નદીઓ આવેલી છે. આ ટાપુનું ક્ષેત્રફળ 790 ચોકિમી. છે. તેની વસ્તી 72,412 (2021) છે. આ દેશનું પાટનગર રોઝીઉ છે. ડોમિનિકામાં આવેલા જ્વાળામુખી પર્વતો લગભગ મૃત કે સુષુપ્ત અવસ્થામાં છે, પણ ટાપુની દક્ષિણે આવેલું ગરમ પાણીનું સરોવર અને ગરમ પાણીના ઝરા એ વાતની સાક્ષી પૂરે છે કે આ ટાપુ પર જ્વાળામુખીય અસરો હજુ પણ ચાલુ છે. ટાપુ પર જ્વાળામુખીયુક્ત ભૂપૃષ્ઠ હોવાને કારણે જમીન ફળદ્રુપ છે અને ગાઢાં ઉષ્ણકટિબંધી જંગલો વિપુલ પ્રમાણમાં આવેલાં છે.

કેળાંની ખેતી
ટાપુ પર પક્ષીજીવન ઘણું સમૃદ્ધ છે. 135 જાતનાં વિવિધ પક્ષીઓ તેના પર જોવા મળે છે; જેમાં પોપટ, ભૂરા માથાવાળાં હમિંગબર્ડ, ટ્રેમ્બલર, ઇગ્વાના, ઓપોસમ, અગુતી અને ચામાચીડિયાં વગેરેનો સમાવેશ થાય છે. ડોમિનિકાનો મુખ્ય પાક કેળાં છે, જેની બહારના દેશોમાં મોટે પાયે નિકાસ થાય છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રેપફ્રૂટ, લીંબું, સંતરાં અને શાકભાજીની ખેતી કરે છે. નારિયેળ એ અહીંનું મહત્ત્વનું ફળ છે. તેથી કોપરાં, કોપરેલ અને સાબુના ઉદ્યોગો વિકસ્યા છે. ડોમિનિકાનું સમૃદ્ધ પર્યાવરણ અને શાંત આબોહવાને કારણે ટાપુ પર પર્યટન-ઉદ્યોગને વિકસાવવાની ઘણી શક્યતાઓ છે. ટાપુ પર કલુષિત થયા વગરના વિશાળ વિસ્તાર તેના અદ્ભુત કિનારા અને નૌકાવિહાર અને માછીમારીની સગવડને લીધે સહેલાણીઓને આકર્ષિત કરે છે. એ જ રીતે 1975માં બનાવેલો નૅશનલ પાર્ક પણ પર્યટકોને માટે મહત્ત્વનું સ્થાન છે. ઇતિહાસ : ડોમિનિકાનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે. આ બંધારણ 3 નવેમ્બર, 1978માં દેશના સ્વતંત્રતાના દિવસે અમલમાં આવેલું છે. તે દિવસથી ડોમિનિકા ગણરાજ્ય બન્યું. તે સંસદીય લોકશાહી ધરાવે છે. રાષ્ટ્રસમૂહ(કૉમનવેલ્થ)નું સભ્ય ઉપરાંત તે સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકન રાજ્યોના મંડળનું અને કૅરિબિયન કૉમ્યુનિટીનું સભ્યપદ ધરાવે છે.
જયકુમાર ર. શુક્લ, ગિરીશ ભટ્ટ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકા, પૃ. 601 અથવા જુઓ https://gujarativishwakosh.org/ડોમિનિકા/)
