પુ. લ. દેશપાંડે


જ. 8 નવેમ્બર, 1919 અ. 12 જૂન, 2000

મરાઠી લેખક, અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને ગાયક પુરુષોત્તમ દેશપાંડેનો જન્મ મુંબઈમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા લક્ષ્મણ ત્ર્ યંબક દેશપાંડે અને માતા લક્ષ્મીબાઈ. મુંબઈના પાર્લેના ટિળક વિદ્યાલયમાં અભ્યાસ કરી ઇસ્માઈલ યુસુફ કૉલેજમાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતક થયા. પિતાનું અવસાન થતાં નોકરી શરૂ કરી સાથે નાટ્યકલાની તાલીમ મેળવી. તેમણે પટકથાઓ લખવાનું, અભિનય કરવાનું, ગાવાનું તેમજ સંગીતનિર્દેશનનું કામ કર્યું. એ પછી તેઓ અનુસ્નાતક થયા અને એલએલ.બી.ની પદવી મેળવી. પ્રારંભમાં મુંબઈની ઓરિએન્ટ હાઈસ્કૂલના શિક્ષક બન્યા પછી કર્ણાટકના બેલગામની રાણી પાર્વતી કૉલેજ અને મુંબઈની કીર્તિ કૉલેજમાં અધ્યાપન કર્યું. તેમણે આકાશવાણીના મુંબઈ, પુણે અને દિલ્હી કેન્દ્રમાં સેવા આપી. યુનેસ્કોની શિષ્યવૃત્તિ મેળવી ટેલિવિઝન અને પ્રસારણના અભ્યાસ માટે બીબીસી લંડન ગયા. પાછા આવ્યા પછી આકાશવાણી, મુંબઈમાં નાટ્ય વિભાગના અધ્યક્ષ બન્યા. તેમણે 1943માં લેખનની શરૂઆત કરી. ‘ખોગીર ભરતી’થી તેઓ હાસ્યલેખક તરીકે જાણીતા થયા. એમણે એકપાત્રીય નાટકો લખ્યાં અને ભજવ્યાં. ‘બટાટ્યાચી ચાળ’ નાટક ભારતભરમાં ભજવ્યું હતું. તેમણે મૌલિક નાટકોની સાથે વિદેશી નાટકોનાં રૂપાંતર પણ કર્યાં છે. એમનાં નાટકો ભારતની અનેક ભાષાઓમાં ભજવાયાં છે. એમનાં પુસ્તકોના અનુવાદ કન્નડ, ગુજરાતી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં થયા છે. 1965માં નાંદેડ ખાતે યોજાયેલ અખિલ ભારતીય મરાઠી નાટ્યસંમેલનમાં તેઓ પ્રમુખ હતા અને 1974માં ઇચલકરંજીમાં યોજાયેલ અખિલ ભારતીય સુવર્ણ મહોત્સવી મરાઠી સાહિત્ય સંમેલનના તેઓ અધ્યક્ષ હતા. તેમણે આપેલાં પદાર્પણ બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર (1965), પદ્મશ્રી (1966), સંગીત નાટક અકાદમી પુરસ્કાર (1967), કાલિદાસ સન્માન (1987-88), બાળગંધર્વ સ્મૃતિ માનચિહ્ન (1988), રામ ગણેશ ગડકરી પુરસ્કાર (1989), પદ્મભૂષણ અને મહારાષ્ટ્ર ગૌરવ સન્માન (1990), ગરિમા પુરસ્કાર (1993), મહારાષ્ટ્રભૂષણ (1996) મુખ્ય છે. ત્રણ યુનિવર્સિટીઓએ તેમને માનદ ડૉક્ટર ઑવ્ લિટરેચરની પદવી આપી હતી.