તમે વિશ્વભરના પર્યાવરણની ચિંતા કરો છો, પણ તમારી આસપાસના પર્યાવરણનો વિચાર કર્યો છે ખરો ? તમે જે સ્થળે તમારી કામગીરી બજાવતા હો, તે સ્થળ વિશે ક્યારેય વિચાર કર્યો છે ? તમારી ઑફિસમાં ફાઈલોના અસ્તવ્યસ્ત ઢગલા પડ્યા છે ! કેટલાય કાગળો આમતેમ ઊડી રહ્યા હોય છે. વચ્ચે અખબારો પડ્યાં હોય અને ફર્નિચરો હિસાબની નોટબુકોથી કે પુસ્તક-સામયિકોથી ખીચોખીચ ભરેલાં હોય છે. હકીકત જેમ વિશ્વની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે, એ જ રીતે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાની વૃદ્ધિ માટે એણે પોતાના નિવાસસ્થાન અને ઑફિસના પર્યાવરણનો વિચાર કરવો જોઈએે. કોઈક ઑફિસમાં તો વ્યક્તિ ટેબલ પર એટલી બધી ફાઈલોનો ખડકલો કરીને બેઠી હોય કે એને મળવા જાવ, ત્યારે એનો ચહેરો શોધવો મુશ્કેલ પડે. આનું કારણ એ નથી કે આ બધી ફાઈલો એને એકસાથે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ફાઈલોને વ્યવસ્થિત ગોઠવવાની એને ભારે આળસ છે અથવા તો ફાઈલોનો ઢગલો કરીને એની અતિ વ્યસ્તતા બતાવવા માગે છે. કાર્ય, સમયનું વાતાવરણ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. આમાં એનો ઘણો સમય વેડફાય છે. ઘણી વાર સરકારી ઑફિસમાં જાવ ત્યારે ઉત્સાહને બદલે ઉદાસીનતાનો અનુભવ થાય છે. ઠેરઠેર પડેલી ફાઈલોના ઢગલા પર જામી ગયેલી ધૂળ પ્રમાદની ચાડી ખાય છે. આ પ્રમાદ ધીરે ધીરે અધિકારીના મન પર કબજો જમાવે છે. તમારા પ્રશ્નોનો જવાબ આપતાં પૂર્વે આસપાસ જામેલો પ્રમાદ કે ભરડો વાળીને બેઠેલી આળસથી એ વિચારે છે કે મારે તો કશું કરવાનું નથી ! આથી વ્યક્તિએ પોતાની આસપાસ એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જે એનામાં નવી પ્રેરણા અને જીવંત ઉત્સાહનો સંચાર કર્યાં કરે.
કુમારપાળ દેસાઈ
