દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે !


કોઈ મંદિરમાં દર્શનાર્થે જાવ ત્યારે સહેજ નજર કરજો કે અત્યંત ભક્તિભાવથી ઈશ્વરની મૂર્તિનાં દર્શન કરનારા યુવાનો કેટલા છે ? પ્રભુ સમક્ષ ભાવથી હાથ જોડીને ઊભેલાં બાળકો કેટલાં છે ? કઈ વયના લોકો મંદિરની કેટલો સમય મુલાકાત લે છે, તેની યાદી રાખવી જોઈએ, તો એમ લાગશે કે ઈશ્વર તો વૃદ્ધોના છે. યુવાનો સાથે એનું કોઈ અનુસંધાન નથી. મોટા ભાગના યુવાનો માત્ર હાથ જોડી, વંદન કરીને મંદિરમાંથી બહાર નીકળી જાય છે. મંદિરના ઉપાસકો જોતાં એમ લાગે કે આપણે વૃદ્ધાશ્રમને અહીં લઈ આવ્યા છીએ. વ્યક્તિ જેમ જેમ વૃદ્ધ બને તેમ તેમ એ મંદિર આવવામાં વધુ નિયમિત અને ઉપાસનામાં વધુ સમય વ્યતીત કરવા માંડે છે. આદિ શંકરાચાર્ય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને બાલ્યાવસ્થાથી જ્ઞાન અને ધર્મ પ્રાપ્ત થયાં હતાં. આજના બાળકને આ મંદિરો જ્ઞાન અને ધર્મ આપી શકે છે ? બાળકના માનસઘડતરમાં મંદિરનો કેટલો હિસ્સો છે ? માત્ર વડીલોના કહેવાથી બાળક કે યુવાન મંદિરમાં જતો હોય છે અથવા તો કોઈ યાત્રાધામના પ્રવાસે નીકળ્યો હોય ત્યારે મંદિરની ‘ઔપચારિક મુલાકાત’ લેતો હોય છે, પરંતુ એના મનમાં ભક્તિનાં બીજ કે ઈશ્વરની શ્રદ્ધા કેટલી છે ? મંદિરના ભગવાનનો બાળકો અને યુવાનો સાથે નાતો જોડીએ. જેનાં દર્શન કરે છે, એના ગુણને આત્મસાત્ કરવાની એનામાં કેટલી તીવ્રતા છે. અરે ! એ જેમનું દર્શન કરે છે, એ ભગવાન વિષ્ણુ કે તીર્થંકર ઋષભદેવ વિશે કશી વિશેષ જાણકારી ધરાવતો નથી. પરિણામે મંદિરો યુવાનોને આકર્ષી શક્યાં નથી અને બાળકોને આતુર બનાવી શક્યાં નથી. બધી બાબતમાં આવતીકાલની ચિંતા-ફિકર કરનારા આપણે ચોપાસ સતત નિર્માણ પામતાં મંદિરોની આવતીકાલનો વિચાર કરીશું ખરા ?