જ. 14 નવેમ્બર, 1942 અ. 29 નવેમ્બર, 2011

અસમિયા સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર, વિવેચક, પ્રાધ્યાપક વિદુષીનો જન્મ ગુવાહાટી, આસામમાં થયો હતો. ઇન્દિરા ગોસ્વામીએ શિલૉંગની પાઇનમાઉન્ટ સ્કૂલમાં તથા ગુવાહાટીની તારિણી ચૌધરી ગર્લ્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધું. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી આસામીઝ સાહિત્યમાં સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં ઇન્દિરા ગોસ્વામી નાનપણથી જ કલ્પનાશીલ અને સંવેદનશીલ હતા. અતિશય સંવેદનશીલતાને કારણે તેઓ આજીવન ડિપ્રેશનનો શિકાર બનેલાં. તેમને અવારનવાર આત્મહત્યાના વિચારો આવતા. પ્રેમલગ્નના દોઢ વર્ષમાં જ પતિ મધુરાયસમ આયંગરનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેમને વૈધવ્યનાં દુઃખ અને એકલતાનો અનુભવ થયો. વૃંદાવન જઈ તેમણે તેમના ગુરુ લાખેરુજીના માર્ગદર્શનમાં પીએચ.ડી. કર્યું. ત્રણ વર્ષના વૃંદાવનના નિવાસ દરમિયાન તેમણે રામાયણનો વિસ્તૃત અભ્યાસ કર્યો. તે સમયે વ્રજધામમાં રહેતી સમાજથી તિરસ્કૃત અને ઉપેક્ષિત એવી અનેક મજબૂર અને લાચાર વિધવાઓને જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેમણે યાદગાર નવલકથા ‘નીલકંઠી વ્રજ’(1986)નું સર્જન કર્યું. આ કૃતિએ તેમને ખૂબ યશ અપાવ્યો. તેના પરથી ‘અડાજ્યા’ નામની ફિલ્મ બની. જેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા. ત્યારબાદ તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આસામીઝ સાહિત્યનાં પ્રોફેસર તરીકે જોડાયાં. દિલ્હીના નિવાસ દરમિયાન તેમણે મોટા ભાગની યાદગાર કૃતિઓનું સર્જન કર્યું; જેમાં ‘ઉદય ભાનુ’, ‘અહીરોન’, ધ રસ્ટેડ સ્વૉર્ડ, ‘ધ મૅન ફ્રોમ છિન્નમસ્તા’, ‘પેજીસ સ્ટેઇન્ડ વિથ બ્લડ’ વગેરે મુખ્ય ગણાય. તેમની હૃદયદ્રાવક આત્મકથા ‘એન અનફિનિશ્ડ ઑટોબાયૉગ્રાફી’ (1990) અનેક ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમના સાહિત્યસર્જન ક્ષેત્રે યોગદાન બદલ અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે; જેમાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, જ્ઞાનપીઠ ઍવૉર્ડ, અસોમ રત્ન સન્માન વગેરે સમાવિષ્ટ છે. કેટલીક જાણીતી યુનિવર્સિટીએ તેમને માનદ ડી. લિટ.ની પદવી અર્પણ કરી છે. 2002માં ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રીનો પુરસ્કાર આપવાની જાહેરાત થઈ, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો.
શુભ્રા દેસાઈ
