જ. 16 નવેમ્બર, 1927 અ. 17 ડિસેમ્બર, 2019

હિન્દી અને મરાઠીમાં ભારતીય ફિલ્મ અને થિયેટરના અભિનેતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે ભાવે હાઈસ્કૂલ, ફર્ગ્યુસન કૉલેજ, પુણે અને બી. જે. મેડિકલ કૉલેજ(પુણે યુનિવર્સિટી)માં અભ્યાસ કર્યો હતો. તેમણે એમ.બી.બી.એસ. અને ત્યારપછી એમ.એસ.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. બાળપણથી જ અભિનય પ્રત્યે લગાવ. શાળામાં હતા ત્યારથી નાટકોમાં કામ કરતા. 11 વર્ષના હતા ત્યારે પ્રથમ વાર શાળામાં વાર્ષિકોત્સવમાં શિક્ષકે લખેલા ‘વંદે ભારતમ્’માં કામ કર્યું. ગોપાળકૃષ્ણ ગોખલેની ભૂમિકા કરી અને વર્ષો પછી રિચાર્ડ એટનબરોના ચલચિત્ર ‘ગાંધી’માં પણ ભૂમિકા ભજવી હતી. 1950થી વ્યાવસાયિક મરાઠી નાટકોમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી. આખો દિવસ હૉસ્પિટલમાં દર્દીઓની સેવા કરતા અને રાત્રે મોડે સુધી નાટકોમાં વ્યસ્ત રહેતા. સ્કોટલૅન્ડમાં ફરવા ગયા ત્યારે તેમનાં પ્રથમ પત્ની માલતીનું એક અકસ્માતમાં અવસાન થયું અને બે બાળકો આનંદ અને વિમલાના ઉછેરની જવાબદારી આવી. 1966માં ત્રણ વર્ષનો કરાર કરી પૂર્વ આફ્રિકા ગયા ત્યારે રંગમંચથી દૂર રહ્યા. ભારત પાછા આવી અભિનય અને તબીબી વ્યવસાયમાંથી અભિનયને પસંદગી આપી. 1971માં રંગભૂમિની એક અભિનેત્રી દીપા સાથે લગ્ન કર્યાં. 1972માં વી. શાંતારામના ‘પીંજરા’માં અવિસ્મરણીય અભિનય કર્યો. 1980ના દાયકામાં દૂરદર્શન પ્રાયોજિત કાર્યક્રમોમાં કાર્ય કર્યું, જેમાં શ્રીધર ક્ષીરસાગરની ‘ખાનદાન’ તેમની પ્રથમ ધારાવાહિક હતી. તેમણે હિન્દી અને મરાઠીની કુલ 250 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ઉપરાંત હિન્દી, મરાઠી અને ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘પીંજરા’, ‘ચલતે ચલતે’, ‘ઘરૌંદા’, ‘કિનારા’, ‘થોડીસી બેવફાઈ’, ‘લાવારિસ’, ‘કામચોર’, ‘સૌતન’ અને ‘માયા મેમસાબ’ને ગણાવી શકાય. તેમના અભિનયક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને 1997માં કાલિદાસ સન્માન, ‘ઘરૌંદા’ ફિલ્મ માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર, ‘પુણ્યભૂષણ’ (2007), સંગીત નાટક એકૅડેમી ફેલોશિપ (2010) અને મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજશ્રી મહાદેવિયા
