જિંદગી યાત્રા બનતી નથી !


પ્રવાસે નીકળેલો માનવી ડગલે ને પગલે કેટલી બધી સાવચેતી અને અગમચેતીથી વર્તતો હોય છે ! પોતાના સામાન પર એની સતત ચાંપતી દેખરેખ હોય છે અને જરૂર પડે એની આસપાસ પરિવારજનોનો કડક જાપતો ગોઠવે છે. પ્રવાસ દરમિયાન કોઈ અન્ય પ્રવાસી પર ગુસ્સો કરવાની પરિસ્થિતિ જાગે, તો એ મનોમન ગુસ્સો દબાવી રાખતો હોય છે. વિચારતો હોય છે કે આના ગેરવર્તનને સાંખી લેવું સારું, પરંતુ પ્રવાસમાં કોઈનીય સાથે ઝઘડો કરવો એ પોસાય નહીં. પ્રવાસમાં ભોજનની બરાબર તકેદારી રાખે છે અને જે સ્ટેશને ઊતરવાનું હોય, એ સ્ટેશન આવતાં પહેલાં વહેલાસર સામાન બરાબર બાંધીને તૈયારી કરતો હોય છે. વળી સ્ટેશન પર સામાન ઉતારે ત્યારે છેલ્લે છેલ્લે એ પણ જોઈ લેતો હોય છે કે ડબ્બામાં પોતે કશું ભૂલી ગયો તો નથી ને ! આપણે પ્રવાસમાં જે તકેદારી રાખીએ છીએ એવી તકેદારી આપણા જીવન પરત્વે રાખીએ છીએ ખરા ? જીવનમાં એટલો બધો સામાન એકઠો કરીએ છીએ કે ચીજ-વસ્તુઓના ખડકલા નીચે માનવીનું જીવન દબાઈ-કચડાઈ જાય છે. પ્રત્યેક પળ પોતાના સામાન પર નજર રાખનાર જિંદગીનો ઘણો સમય વ્યર્થ બરબાદ કરી નાખે છે. પ્રવાસમાં એ પોતાનો ગુસ્સો ડામી દેતો હોય છે, પરંતુ ઘર-સંસારની બાબતમાં એવું ધૈર્ય બતાવતો હોય છે ખરો ? ભોજન જેટલી તકેદારીથી ચિત્તને સમૃદ્ધ કરવા માટે તકેદારી રાખે છે ખરો ? ડબ્બામાં કોઈ સામાન બચ્યો નથી એ જુએ છે, પણ પોતાના હૃદયના કોઈ ખૂણે દુર્વૃત્તિનો કચરો પડ્યો હોય તો  એની પરવા કરતો નથી. જિંદગીને યાત્રા ગણવામાં આવે છે, પરંતુ જિંદગી યાત્રા જેવી ત્યારે જ બને કે જ્યારે એમાં આવી જાગૃતિ હોય. આવું ન બને તો એ હેતુવિહીન, વ્યર્થ રખડપટ્ટી બનીને રહી જાય છે.