જ. 18 નવેમ્બર, 1972 અ. 19 સપ્ટેમ્બર, 2025

ભારતીય સંગીતકાર, ગાયક, ગીતકાર, વાદ્યવાદક, કવિ, અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મનિર્માતા તરીકે જાણીતા ઝુબીન ગર્ગ મુખ્યત્વે અસમીઝ, બંગાળી અને હિન્દી ફિલ્મ અને સંગીતક્ષેત્રે કામ કરતા હતા. તેમણે 40 અન્ય ભાષા અને બોલીઓમાં પણ ગીત ગાયાં હતાં. ગર્ગે ત્રણ વર્ષની વયથી ગાવાનું શરૂ કર્યું હતું. તેમનાં પ્રથમ ગુરુ તેમની માતા હતાં. તેમણે પંડિત રોબિન બેનર્જી પાસેથી 11 વર્ષ સુધી તબલાં વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. ગુરુ રમણી રાયે તેમને અસમીઝ લોકસંગીતનો પરિચય કરાવ્યો હતો. શાળાના દિવસોથી જ તેમણે ગીતો લખવાનું શરૂ કર્યું હતું. ઝુબીન ગર્ગે 1992માં અસમીઝ સોલો આલબમ ‘અનામિકા’ સાથે એમ. કે. પ્રોડક્શનના બૅનર હેઠળ પ્રવેશ કર્યો અને તે જ વર્ષે તેમણે યુવા મહોત્સવમાં તેમના વેસ્ટર્ન સોલો પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1995માં તેમનું પ્રથમ બિહુ આલબમ ‘ઉજાન પિરિતી’ રિલીઝ થયું હતું જે વ્યાપારિક રીતે સફળ રહ્યું હતું. 1990ના મધ્યમાં તેઓ મુંબઈ બોલિવુડના સંગીતઉદ્યોગમાં કામ કરવા ગયા, જ્યાં તેમનું પ્રથમ ઇન્ડિપોપ સોલો આલબમ ‘ચાંદની’ રિલીઝ થયું હતું અને ત્યારબાદ તેમણે હિન્દી આલબમ અને રિમિક્સ જેવાં કે ‘ચંદા’ (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-1 (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-2 અને 3 (1997), ‘જલવા’ (1998), ‘યૂં હી કભી’ (1998), ‘જાદુ’ (1999) અને ‘સ્પર્શ’ (2000) અને અન્ય આલબમ રેકૉર્ડ કર્યાં હતાં. ઝુબીન ગર્ગને બોલિવુડમાં તેમની સૌથી મોટી સફળતા મૂવી ‘ગેંગસ્ટર’માંથી મળી હતી જ્યાં તેમણે ‘યા અલી’ ગીત ગાયું હતું. ગર્ગનું સંગીત આત્માથી ભરેલું અને તેમનું કાર્ય લોકથી પોપ સુધી વિસ્તરેલું હતું. તેમના સંગીતમાં રોમૅન્ટિક અને ભક્તિમયથી માંડી બિહુ અને આધુનિક ગીતો સુધીની વિવિધતા જોવા મળે છે. સંગીત ઉપરાંત તેમણે અનેક અસમીઝ ફિલ્મ લખી, નિર્દેશિત અને અભિનીત કરી હતી. પરંપરાગત ગીત અને નૃત્ય વાર્તાઓને બદલે તેમણે વાસ્તવિક અને રાજકીય થીમ્સ વધુ પસંદ કરી હતી. આ ઉપરાંત તેઓ તેમનાં બોલ્ડ અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા હતા. ઝુબીન ગર્ગને 1996માં તેમના આલબમ ‘ચાંદની રાત’ માટે ચૅનલ વી મ્યુઝિક ઍવૉર્ડથી અને 2011માં અસમ કન્વેન્શન ઑફ બુક, ઇલિનિયોસ, યુ.એસ. દ્વારા વર્ષના મહેમાન કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે, 2024ના રોજ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, મેઘાલય દ્વારા માનદ ડૉક્ટર ઑફ લિટરેચર ડી.લિટ્.ની ડિગ્રી આપવામાં આવી હતી.
અશ્વિન આણદાણી
