હડપ્પા


સિંધુ સંસ્કૃતિનું એક નગર.

હડપ્પામાંના ખોદકામમાંથી પ્રાપ્ત વિભિન્ન પુરાવશેષોની વિશ્વનાં અન્ય સ્થળોએથી મળેલા સમકાલીન સંસ્કૃતિઓના અવશેષો સાથે તુલના કરતાં આ સ્થળ ઈ. સ. પૂર્વે ૨૫૦૦થી ૧૫૦૦ના સમયગાળાનું મનાય છે. ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં સિંધ અને પંજાબમાં આ સંસ્કૃતિ પૂર્ણપણે વિકસી હતી. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર નજીક, સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે.

સિંધુ સંસ્કૃતિનો એક નગર-અવશેષ – હડપ્પા

ઈ. સ. ૧૮૨૬માં ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો હતો. ઈ. સ. ૧૮૫૩ અને ૧૮૫૬માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીં સ્થળ-તપાસ કરી. અહીંથી એકશૃંગી પશુ અને ચિત્રાત્મક લિપિથી અંકિત કેટલીક મુદ્રાઓ (seals) મળી આવી. ત્યારબાદ ૧૮૫૬માં કરાંચીથી લાહોર જનારી રેલલાઇનના પાટા પાથરવા માટે જ્યારે ખોદકામ ચાલુ કરાયું ત્યારે આ પુરાતન સ્થળ અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ. ૧૯૨૧માં દયારામ સાહની દ્વારા જ્હૉન માર્શલના નિર્દેશનમાં અહીં વિધિવત્ ઉત્ખનન કરાયું. તે ચાર વર્ષ ચાલ્યું. દયારામ સાહની પછી માધો સ્વરૂપ વત્સે અહીં વિસ્તૃત ઉત્ખનન કર્યું. તે કાર્ય આઠ વર્ષ ચાલ્યું. ૧૯૪૯માં મોર્ટીમર વ્હીલરે હડપ્પાના પશ્ચિમી દુર્ગના ટિમ્બાનું ઉત્ખનન કર્યું. હડપ્પાના અવશેષો પરથી એવું લાગે છે કે એ વ્યવસ્થિત રીતે બંધાયેલું નગર હતું. એના રસ્તા ઉત્તરથી દક્ષિણ તરફ જતા હતા. મકાનો હારબંધ બંધાયેલાં હતાં. આવાસીય મકાનોના ઓટલા ઊંચા હતા અને દરેક ઘર કૂવો, ગટર વગેરેની સગવડ ધરાવતું હતું. બારી, બારણાં રસ્તા પર નહિ, પરંતુ ઘરની અંદરના ભાગમાં મૂકવામાં  આવતાં. ત્રણ સીડીઓની ઉપલબ્ધિ એકથી વધુ માળવાળાં મકાનો હોવાનું પુરવાર કરે છે. મકાનોના બાંધકામમાં પાકી ઈંટોનો વપરાશ થતો હતો. દુર્ગક્ષેત્ર રક્ષણાત્મક દીવાલ(કોટ)થી ઘેરાયેલું હતું. તેનું પ્રમુખ દ્વાર ઉત્તર દિશામાં અને બીજું દ્વાર દક્ષિણ તરફ આવેલું હતું. સમલંબ ચતુર્ભુજ આકાર ધરાવતા દુર્ગની લંબાઈ ઉત્તર-દક્ષિણ ૪૨૦ મી. અને પૂર્વપશ્ચિમ પહોળાઈ ૧૯૬ મી. હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હડપ્પા, પૃ. 109)