જ. 23 નવેમ્બર, 1924 અ. 28 માર્ચ, 2015

શિક્ષણ, કલા અને સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવતાં ઉદ્યોગપતિ બિરલા પરિવારનાં માતુશ્રી સરલા બિરલાનો જન્મ રાજસ્થાનના કુચામનમાં થયો હતો. પિતા બ્રિજલાલ ગાંધીવાદી કાર્યકર અને સ્વતંત્રતાસેનાની હતા. સરલાનું બાળપણ મહારાષ્ટ્રના અકોલામાં વીત્યું. તેમણે અકોલાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કર્યો. એપ્રિલ, 1941માં જમનાલાલ બજાજ અને ગાંધીજીએ બસંતકુમાર સાથે પરિચય કરાવ્યો. તેમણે બસંતકુમાર બિરલા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી તેમણે પતિની સાથે વ્યવસાયમાં ધ્યાન આપ્યું. તેમણે બિરલા પરિવારના વ્યવસાયમાં વિસ્તરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે શિક્ષણ, કલા અને ભારતીય સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું. તેઓ માનતાં હતાં કે શિક્ષણ એ સમાજમાં પરિવર્તન માટે અને મહિલાઓની સ્થિતિ સુધારવા માટેનો અસરકારક માર્ગ છે. આથી તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ થાય એ માટે 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં ફાળો આપ્યો. તેમણે અને તેમના પતિએ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ સાયન્સ (BITS), બી. કે. બિરલા કૉલેજ ઑફ આર્ટસ, સાયન્સ ઍન્ડ કૉમર્સ, બી. કે. બિરલા પબ્લિક સ્કૂલ, મહાદેવી બિરલા વર્લ્ડ એકૅડેમી, મહાદેવી બિરલા શિશુવિહાર, બિરલા એકૅડેમી ઑફ આર્ટ ઍન્ડ કલ્ચર, સંગીત કલામંદિર, બિરલા વિદ્યાનિકેતન વગેરે સંસ્થાઓની મુંબઈ, કૉલકાતા અને દિલ્હીમાં સ્થાપના કરી. તેઓ કલા અને સંસ્કૃતિપ્રેમી હતાં. તેમનામાં વ્યાવસાયિક સૂઝ હતી. તેઓ સંસ્થામાં કામ કરતા લોકોની પરિવારનાં વડાંની જેમ કાળજી રાખતાં. તેઓ મરાઠી, હિન્દી અને અંગ્રેજી જાણતાં હતાં. મોટી ઉંમરે ફ્રેન્ચ શીખવાનું શરૂ કર્યું હતું. જી. ડી. બિરલાની 121મી જયંતી નિમિત્તે દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગયા ત્યારે એક નાના અકસ્માતમાં ઘાયલ થયાં અને હૃદયરોગને કારણે તેમનું અવસાન થયું. તેમણે આજીવન કરેલાં સામાજિક કાર્યો બદલ ભારત સરકારે 1990માં પદ્મભૂષણથી તેમને સન્માનિત કર્યાં હતાં.
અનિલ રાવલ
