હર્બર્ટ સટક્લિફ


જ. 24 નવેમ્બર, 1894 અ. 22 જાન્યુઆરી, 1978

ઇંગ્લૅન્ડની યોર્કશાયર કાઉન્ટી તરફથી અને ઇંગ્લૅન્ડ તરફથી પ્રૉફેશનલ ક્રિકેટર તરીકે હર્બર્ટ સટક્લિફે 54 ટેસ્ટમાં 60 રનની સરેરાશથી 4555માં રન કર્યા હતા અને પ્રથમ કક્ષાની 754 મૅચમાં 52 રનની સરેરાશથી 50670 રન કર્યા હતા. ટેસ્ટમૅચ ક્રિકેટમાં 16 સદી કરનારા એ પ્રથમ ખેલાડી હતા અને હર્બર્ટ સટક્લિફ અને જેક હોબ્સની ઓપનિંગ જોડી અત્યંત વિખ્યાત બની હતી અને ક્રિકેટજગતની એ એક અત્યંત સમર્થ ઓપનિંગ જોડી ગણાતી હતી. પોતાની એકાગ્રતા અને દૃઢતાથી જમોડી બૅટ્સમૅન હર્બર્ટ સટક્લિફ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની ટીમને માટે મહત્ત્વની રમત ખેલતો હતો. એમના સમયગાળા દરમિયાન યોર્કશાયરે બાર વખત કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં વિજય મેળવ્યો અને આજે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના હેડિંગ્લેનાં મેદાન પર બે ગેટને હર્બર્ટ સટક્લિફનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આઈ.સી.સી. ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં પણ હર્બર્ટ સટક્લિફને સ્થાન મળ્યું છે. આઠ વર્ષની વયથી જ ક્રિકેટની રમતને ગંભીરપણે ખેલતા હર્બર્ટ સટક્લિફ સતત પોતાની બૅટિંગ કલામાં વિકાસ સાધતા રહ્યા. તેરમા વર્ષે 1908માં નિશાળ છોડીને બૂટ કંપનીમાં ક્લિકર તરીકે જોડાયા. એમની ક્રિકેટ કામયાબીને લીધે એમને સ્થાનિક કાપડની મિલે કારકુન તરીકે રાખ્યા, જ્યાં એ હિસાબ-કિતાબ સંભાળતા હતા અને એમાંથી અંતે એ સફળ વેપારી બન્યા. એમણે યોર્કશાયર તરફથી ઇસેક્સની ટીમ સામે 313 રનનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો અને પહેલી વિકેટની ભાગીદારીમાં પર્સી હોમ્સ સાથે 555 રનનો એ સમયે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. નિવૃત્ત થયા પછી યોર્કશાયરની ક્લબ કમિટીમાં 21 વર્ષ સુધી કામ કરનાર હર્બર્ટ સટક્લિફે ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના સિલેક્ટર તરીકે પણ સેવા આપી હતી.