આરોગ્યના સંદર્ભમાં વિચારીએ તો આપણે ત્યાં માનવીના શરીરને રાજા રૂપે જોવામાં આવ્યું છે, પણ મહત્ત્વની વાત એ છે કે એ રાજા સ્વાધીન છે કે પરાધીન એનો વિચાર કરવો જોઈએ. સ્વાધીન રાજા પોતાના સ્વાસ્થ્ય વિશે સૌથી પહેલું વિચારશે, કારણ કે એને એના જીવન-સંરક્ષણનો મજબૂત કિલ્લો માને છે. એને માટે પ્રધાન જેવી બુદ્ધિને યોગ્ય માર્ગ બતાવશે અને સેનાપતિ સમા મનને કાબૂમાં રાખશે. જ્યારે પરાધીન રાજાને બીજાની તાબેદારી ઉઠાવવી પડે છે. આવો પરાધીન રાજા ફાસ્ટ ફૂડનો ભોગ બને છે. ખાઉધરા જેવો એનો પ્રધાન હોય છે અને ચટાકેદાર સ્વાદ રૂપી એ ચંચળ મનનો ગુલામ હોય છે. સ્વાસ્થ્યની ઉપેક્ષા અંતે જીવનની ઉપેક્ષા થઈને રહે છે. ત્યારે સુંદર જીવન જીવવા માટે વ્યક્તિએ આહાર પર સંયમ કેળવવો જોઈએ. ઘણી વ્યક્તિ પોતાના જીભના સ્વાદને કારણે જીવનને રોગિષ્ઠ બનાવે છે. આવી વ્યક્તિઓ મુખમાં અન્ન મૂકતી નથી, પરંતુ માંદગી મૂકે છે. ખાઉધરા લોકો બેફિકર બનીને સ્વાદિષ્ટ ભોજનની જ્યાફત ઉડાવતા હોય છે, પણ હકીકતમાં તો એવું ભોજન એમના સ્વાસ્થ્યને કે આયુષ્યને ઊધઈની માફક ખોખલું કરતું રહે છે. પોતાની ભૂખ કરતાં વધુ ખાનાર અતિભોગી આ જગતની વહેલી વિદાય લઈ લે છે. પોતાની ભૂખ કરતાં થોડું ઓછું ખાનાર થોડું વધુ આયુષ્ય ભોગવે છે. જો વ્યક્તિ પોતાના આરોગ્યની યોગ્ય સંભાળ ન લે તો દુનિયાનો ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર પણ એને બચાવી શકતો નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે, ‘સોના-ચાંદીના ટુકડા એ સાચી સંપત્તિ નથી. આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે.’ અને આપણે ત્યાં તો વારંવાર કહેવાય છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ વળી ચરકસંહિતામાં કહ્યું છે તેમ, ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉત્તમ સાધન આરોગ્ય છે.’
કુમારપાળ દેસાઈ
