ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું ઐતિહાસિક નગર. હમ્પી વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોના સ્થળ તરીકે પ્રખ્યાત છે. તે હાલના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસટેપ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ, તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. ઈ. સ. ૧૩૩૬માં હરિહર (પ્રથમ) અને બુક્કારાયે તેની સ્થાપના કરી હતી. પાંચસો વર્ષ પૂર્વે હમ્પી વિજયનગર મહારાજ્યની રાજધાની હતું. ૨૦૦ વર્ષ કરતાં વધારે સમયમાં હિંદુ વંશના ત્રણ પેઢીઓના રાજાઓએ અહીંથી શાસન કર્યું હતું. કૃષ્ણદેવરાય(૧૫૦૯થી ૧૫૨૯)ના શાસનનો સમય હમ્પી માટે સુવર્ણયુગ હતો. તેના સમયમાં અહીં પ્રસિદ્ધ મંદિરો બંધાયાં હતાં. ત્યારબાદ અચ્યુતરાય(૧૫૨૯–૧૫૪૨)નો સમય પણ ઉત્તમ હતો. ઈ. સ. ૧૫૬૫માં તાલિકોટાના યુદ્ધમાં બહમની સુલતાનોના સંઘે, વિજયનગરના અંતિમ રાજા રામરાયને હરાવ્યો. સુલતાનોએ હમ્પી નગરને લૂંટીને ખેદાનમેદાન કરી મૂક્યું. હાલમાં અહીં માત્ર વિજયનગર સામ્રાજ્યની જાહોજલાલી, ભવ્યતા ને કળારસિકતા દર્શાવતાં સ્થાપત્યોના ભગ્નાવશેષો જોવા મળે છે.

વિઠ્ઠલમંદિર, હમ્પી
અવશેષો જોતાં એટલું પુરવાર થાય છે કે આ નગરનું સ્થાન ઉત્તમ હતું. આસપાસ ઊંચી શિલાઓની સુરક્ષા હતી. કેન્દ્રનો નાગરિક વિસ્તાર નહેર વડે રક્ષિત હતો. આ નહેર આજે પણ પાણી પૂરું પાડે છે. અહીં આવેલાં મંદિરોમાં વિઠ્ઠલમંદિર, હજારારામમંદિર, વિરુપાક્ષમંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે તત્કાલીન સ્થાપત્યકળાનાં ઉત્તમ ઉદાહરણો છે. વિઠ્ઠલમંદિર સૌથી વધુ અલંકૃત છે. તેનું નિર્માણ કૃષ્ણદેવરાય(દ્વિતીય)ના સમયમાં શરૂ થયું હતું ને અચ્યુતરાયના શાસનકાળમાં પણ ચાલુ રહ્યું હતું. ૧૫૨.૪૦ x ૪૧.૧૫ મી.ની સમકોણ ચતુર્ભુજાકાર દીવાલોથી તે રક્ષિત છે. આની અંદર સ્તંભોની ત્રણ હારથી યુક્ત આચ્છાદિત માર્ગ છે. સમગ્ર મંદિરની નિર્માણયોજના અસાધારણ છે. પ્રસ્તુત મંદિરમાં વિઠ્ઠલ-સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજે છે. કૃષ્ણદેવરાય દ્વારા નિર્મિત (ઈ. સ. ૧૫૧૩) હજારારામમંદિર વિઠ્ઠલમંદિરનું સમકાલીન છે. આ મંદિર રાજપરિવારની પૂજા માટે હતું.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હમ્પી, પૃ. 111)
