જ. 26 નવેમ્બર, 1825 અ. 14 નવેમ્બર, 1892

ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ તરીકે જાણીતા વ્રજલાલ શાસ્ત્રીનો જન્મ સોજીત્રા તાલુકાના મલાતજ ગામના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મલાતજમાં જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. વ્યાકરણની સાથોસાથ તેમણે સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદસ્થિત જૈન મંદિર ખાતે સંસ્કૃત શીખવ્યું હતું. જૈન ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે તેઓ પ્રાકૃત, પાલિ, અપભ્રંશ અને અર્ધમાગધી ભાષાથી પરિચિત થયા હતા. જે પરથી તેમણે ગુજરાતી ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો લખ્યાં હતાં. વ્રજલાલ શાસ્ત્રીએ 1865માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મસભા સાથે કામ કર્યું હતું અને તેમના બે જર્નલ ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ધર્મપ્રકાશ’નું સંપાદન કર્યું હતું. સંશોધનકાર અને વિદ્વાન તરીકે તેમની પચીસ વર્ષની લાંબી કારકિર્દી હતી. 1876માં વર્નાક્યુલર કૉલેજ ઑફ સાયન્સમાં જોડાયા હતા અને 1879માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. વિદ્વાન સંશોધક અને લેખક વ્રજલાલ શાસ્ત્રી પાસેથી આપણને પંદર ગ્રંથો પ્રાપ્ત થયા છે – જેમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866), ‘ઉત્સર્ગમાલા’ (1870), ‘ધાતુસંગ્રહ’ (1870), ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870), વૈશેષિક તર્કસાર’ (1878), ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે. ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં એ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે. ‘બ્રહ્મસૂત્રાર્થપ્રકાશ’, ‘મુક્તામાળા’ અને ‘રસગંગા’ 1934માં પ્રકાશિત થયેલાં મરણોત્તર પ્રકાશન છે.
અશ્વિન આણદાણી
