ઈરાનની વાયવ્યે આવેલ ઉત્તર આઝરબૈજાન પ્રાંતનું પાટનગર અને દેશનાં મોટાં નગરોમાં ચોથો ક્રમ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 38O 05’ ઉ. અ. અને 46O 18’ પૂ. રે.. વિસ્તાર : શહેર : 324 ચોકિમી; મહાનગર : 2386 ચોકિમી. તે રશિયાની સરહદથી દક્ષિણે 97 કિમી. તથા તુર્કસ્તાનથી પૂર્વમાં આશરે 177 કિમી. દૂર આવેલું છે. સાહંદ પર્વતની ઉત્તરે આવેલ સપાટ મેદાનમાં વસેલું આ શહેર સમુદ્રની સપાટીથી 420.62 મી. ઊંચાઈ ધરાવે છે. તે ઉત્તરે આજીચાઈ નદી પર આવેલી ટેકરીઓથી ઘેરાયેલું છે. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળની દૃષ્ટિએ ભૂકંપીય વિસ્તારમાં આવેલ આ નગરનો ઈ. સ. 791, 858, 1041, 1721 અને 1780માં વિનાશ થયો હતો. તે ઉપરાંત આ નગર અવારનવાર હળવા ભૂકંપોનું ભોગ બનતું રહ્યું છે. તે આક્રમણખોરોના હુમલાઓનો ભોગ પણ બનતું રહ્યું છે. કાળા સમુદ્ર અને રશિયાના કોકેશિયન પ્રદેશને સાંકળતા વ્યાપારી માર્ગ પર આવેલ હોઈ તેનું પ્રાચીન કાળથી એક અનોખું મહત્ત્વ હતું. તેરમી અને ચૌદમી સદીમાં તબ્રિજ મોંગલ રાજાઓની રાજધાનીનું શહેર હતું.

તબ્રિજ શહેર
સમીપમાં આવેલ ગરમ પાણીના ઝરા પરથી ‘તબ્રિજ’ નામ પડ્યું છે. તેની વસ્તી : શહેર : 15,58,693, મહાનગર : 17,73,023 (2016) છે. મોટા ભાગના લોકો આઝરબૈજાન મૂળના છે. અલબત્ત, તે કુર્હીશ લઘુમતી પણ ધરાવે છે. જાજમો અને ગાલીચાઓ માટે તબ્રિજ સુવિખ્યાત છે. વળી, ત્યાં સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, સાબુ, પેઇન્ટ તથા ફળોનું ઉત્પાદન થાય છે. એક સમયે તબ્રિજના આશરે 45 કિમી. જેટલા બજાર-રસ્તાઓ છતવાળા હતા ! નગરમાં અમેરિકન મિશન હૉસ્પિટલ અને દેવળ આવ્યાં છે; પરંતુ અમેરિકન પ્રેસ્બીટેરિયન મિશન દ્વારા સંચાલિત શાળા સરકારે પોતાના હસ્તક લઈ લીધી અને એક યુનિવર્સિટી સ્થાપવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયા સાથેના વેપારમાં ઓટ આવતાં તબ્રિજને સહન કરવું પડ્યું. અહીં હવાઈ મથક તથા વિશાળ લશ્કરી થાણું આવેલાં છે.
નવનીત દવે
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તબ્રિજ, પૃ. 674 અથવા જુઓ https://gujarativishwakosh.org/તબ્રિજ/)
