જ. 3 ડિસેમ્બર, 1776 અ. 28 ઑક્ટોબર, 1811

અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર ઇન્દોર રાજ્યના છઠ્ઠા હોલકર રાજા યશવંતરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના વડગાંવમાં થયો હતો. પિતા તુકોજીરાવ અને માતા યમુનાબાઈ. તેઓ ફારસી, મરાઠી અને ઉર્દૂ ભાષાના જાણકાર હતા. ગ્વાલિયરના રાજા દૌલતરાવ સિંધિયાએ યશવંતરાવના મોટા ભાઈ મલ્હારરાવની હત્યા કરી એ પછી એમણે પોતાના લોકોમાંથી વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે પોતાની સેના તૈયાર કરી. તેમણે શેવેલિયર ડુડ્રેનેકના નેતૃત્વની સેનાને હરાવી આથી અંગ્રેજોએ યશવંતરાવને હોલકરના વડા તરીકે સ્વીકાર્યા. 1802માં તેમણે પુણેના પેશ્વા અને સિંધિયાની સંયુક્ત સેનાને હરાવી. યુદ્ધ જીત્યા પછી પુણેના નાગરિકોને નુકસાન ન પહોંચાડવાનો આદેશ આપ્યો. તેમણે ભારતમાં અંગ્રેજોના વધતા સામ્રાજ્યને રોકવાના પ્રયત્નો કર્યા. નાગપુરના ભોસલે અને ગ્વાલિયરના સિંધિયા તેમની સાથે જોડાયા અને દગો કર્યો. તેમણે એકલા હાથે અંગ્રેજોની સેનાને હરાવી. 11 સપ્ટેમ્બર, 1804માં વેલેસ્લીએ લૉર્ડ લ્યુકને પત્ર લખ્યો કે જો યશવંતરાવને કાબૂમાં નહીં લેવામાં આવે, તો તે અન્ય રાજાઓ સાથે જોડાઈને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢશે. યશવંતરાવે 1804માં દિલ્હી પર હુમલો કર્યો. એક અઠવાડિયા સુધી ઘેરો કર્યો, પરંતુ સફળતા મળી નહીં. તેમની બહાદુરી માટે શાહઆલમે તેમને ‘મહારાજાધિરાજ રાજ રાજેશ્વર અલીજા બહાદુર’નું બિરુદ આપ્યું. સિંધિયા યશવંતરાવની બહાદુરી જોઈને તેમની સાથે જોડાતાં અંગ્રેજોની ચિંતા વધી. આથી અંગ્રેજોએ તેમની સાથે બિનશરતી સંધિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને યશવંતરાવે નકાર્યો. બધા શાસકોને એક કરવામાં નિષ્ફળતા મળતાં તેમણે 1805માં અંગ્રેજો સાથે સંધિ કરી. અંગ્રેજોએ તેમને સ્વતંત્ર શાસક તરીકે માન્ય રાખ્યા અને તેમના બધા પ્રદેશો પાછા આપ્યા. યશવંતરાવે ભાનપુરમાં દારૂગોળો બનાવવા કારખાનું નાંખ્યું. તેમણે દિવસ-રાત કામ કર્યું. તેમણે 200 જેટલી તોપોનું ઉત્પાદન કરાવ્યું. તેમણે આખું જીવન દેશી રાજ્યોના રાજાઓને એક કરવા અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં વિતાવ્યું.
અનિલ રાવલ
