જ. 5 ડિસેમ્બર, 1901 અ. 1 ફેબ્રુઆરી, 1976

ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝન્બર્ગનો જન્મ વુર્ઝબર્ગ, જર્મનીમાં થયો હતો. 1920 સુધી તેમણે મ્યૂનિકની મેક્સમિલન શાળામાં અભ્યાસ કર્યો. મ્યૂનિક યુનિવર્સિટીમાં સોમરફિલ્ડ, વીન પ્રિન્ગશેઇમ અને રોઝેન્થલના માર્ગદર્શન હેઠળ ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1922-23માં ગોટિંગજનમાં ભૌતિકવિજ્ઞાનનો વધુ અભ્યાસ કર્યો. 1923માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓ હંમેશાં ગ્રીક ભાષાથી પ્રભાવિત હતા. જાપાની ભૌતિકવિજ્ઞાની યુકાવા શોધિત મૂળભૂત કણ મેસોટ્રૉનનું, હાઇઝન્બર્ગે ગ્રીક ભાષાની જાણકારીને કારણે મેસૉન નામ રાખ્યું જે આજે પણ પ્રચલિત છે. 26 વર્ષની વયે લાઇપઝિંગ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1929માં યુ.એસ., જાપાન અને ભારતમાં વ્યાખ્યાનો આપ્યાં. 1941માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક અને કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિક્સના નિયામક તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધને અંતે તેમને અમેરિકન લશ્કરી દળોએ કેદી તરીકે ઇંગ્લૅન્ડ મોકલી દીધાં, પરંતુ 1946માં પાછા જર્મની આવી ગયા. તેમણે કેમ્બ્રિજ (ઇંગ્લૅન્ડ), યુ.એસ.માં વ્યાખ્યાનો આપ્યાં. તેમણે સ્કૉટલૅન્ડમાં ગિફૉર્ડ વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોને પાછળથી પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1920ના દાયકામાં તેમણે ક્વૉન્ટમ યાંત્રિકીને નવું સ્વરૂપ આપ્યું અને તે ગાળામાં અચોક્કસતા (indeterminancy)નો સિદ્ધાંત આપ્યો. સામાન્ય રીતે આ સિદ્ધાંત હાઇઝન્બર્ગના અચોક્કસતા સિદ્ધાંત તરીકે પ્રચલિત છે. 1957 બાદ તેમણે પ્લાઝમા ભૌતિકી અને ન્યૂક્લિયર પ્રક્રિયાઓ પર કામ કર્યું. તેમણે એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત (unified field theory) પર પણ ધ્યાન આપ્યું અને તેમને લાગ્યું કે ભૌતિકવિજ્ઞાનમાં મૂળભૂત કણોના અભ્યાસ માટે આ સિદ્ધાંત ચાવીરૂપ છે. ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને પ્રયોજનને કારણે હાઇડ્રોજનનાં વિવિધ સ્વરૂપો(autotropic forms)ની શોધ બદલ 1932માં તેમને ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
શુભ્રા દેસાઈ
