કબ્રસ્તાનમાં સૂતેલાં મુર્દાંઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એકબીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતાં છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાંઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી કે ટૅરેસ નીચે વસતા લોકો પણ સાથે રહેતા હોવા છતાં એમની વચ્ચે કોઈ સંવાદ નથી. એ ન તો સ્નેહથી એકબીજાને હસ્તધૂનન કરે છે કે ન તો પ્રેમથી આલિંગન કરે છે. જેમ મુર્દામાં જાન નથી, એમ એમના જીવનમાં પણ પ્રાણ નથી. એક જ ઘરમાં પતિ અને પત્ની વસે છે, છતાં એકબીજાને દિલથી મળતાં નથી. એક જ બંગલામાં પિતા-પુત્ર વસે છે, પણ એમની વચ્ચે બોલ્યા-વ્યવહાર નથી. એક જ રસોડે બે ભાઈની રસોઈ થાય છે, છતાં એમના જીવનમાં મીઠાશ નથી. ચાર દીવાલ વચ્ચે સાસુ અને વહુ સાથે રહેતાં હોવા છતાં એમની વચ્ચે પ્રેમનો કોઈ સંવાદ નથી. માત્ર મકાનને જ દીવાલો હોતી નથી. માનવી-માનવી વચ્ચે પણ ‘અદૃશ્ય’ દીવાલો ચણાયેલી હોય છે. આવું ઘર કબ્રસ્તાન નથી તો બીજું શું છે ? જ્યાં જીવનમાં સ્નેહ નથી, ત્યાં આનંદનું સ્વર્ગ ક્યાંથી ઊતરશે ? જ્યાં પરસ્પર માટે પ્રેમ નથી, ત્યાં પારકા માટે અનુકંપા ક્યાંથી જાગશે ? એક જ કુટુંબની વ્યક્તિઓ માત્ર દેહથી સમીપ છે, પણ દિલથી સાવ ભિન્ન છે. એમના ચહેરા અતિ સુંદર છે, પણ એ પરસ્પરને દ્વેષયુક્ત ઝેરભરી નજરે નિહાળે છે. સમાન વાતાવરણમાં જીવતા હોવા છતાં ભિન્ન ભિન્ન દુનિયામાં વસે છે. સ્વાર્થની, ભેદની અને માત્ર પોતાની દુનિયામાં જીવતો માણસ ઘરમાં હોવા છતાં કબરમાં પોઢેલો છે.
કુમારપાળ દેસાઈ
