ભોગીલાલ ધીરજલાલ લાલા


જ. 7 ડિસેમ્બર, 1877 અ. 30 ઑગસ્ટ, 1965

ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય સૈનિક અને મુંબઈ વિધાન પરિષદના અધ્યક્ષ ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચશિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ 1920માં ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરીને વકીલોને વકીલાત છોડવાની હાકલ કરી ત્યારે, તેમણે ધીકતી કમાણીવાળી પોતાની વકીલાતનો ત્યાગ કરીને ભારતમાતાની મુક્તિ માટેની ચળવળમાં ઝંપલાવ્યું. 1927થી 1932 દરમિયાન તેમણે લૉ કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 1920થી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવતા જાહેર સેવાનાં સર્વ કાર્યોમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન મુજબ કામ કરતા હતા. પરદેશી કાપડ સામે અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ કરવું, ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવો, ગુજરાતમાં રેલસંકટ, દુષ્કાળ, બિહારનો ધરતીકંપ અને અતિવૃષ્ટિ દરમિયાન રાહતકાર્યો કરવાં; સ્વદેશીનો પ્રચાર કરવો વગેરે લોકસેવાનાં કાર્યો તેમણે કર્યાં હતાં. તેઓ ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો તેથી તેમની ધરપકડ થઈ. મુંબઈ રાજ્યની વિધાનપરિષદના અધ્યક્ષ તરીકે 1956માં ચૂંટાયા. સરદાર પટેલના વિશ્વાસુ કાર્યકર થયા. તેઓને લોકોએ ‘લાલા કાકા’નું લાડીલું બિરુદ આપ્યું હતું.