ખેમચંદ પ્રકાશ


જ. 12 ડિસેમ્બર, 1907 અ. 10 ઑગસ્ટ, 1950

‘ફિલ્મ સંગીતનો પ્રકાશપુંજ’ કહેવાતા હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીતકાર, ખેમચંદ પ્રકાશનો જન્મ બ્રિટિશ સમયના રાજપૂતાનાના બિકાનેર રાજ્યના સુજાનગઢમાં થયો હતો. તેમના પિતાજી દ્રુપદ સંગીતના જાણકાર અને કથક નૃત્યશૈલીના પણ જાણકાર હોવાથી ખેમચંદજીને પણ બાલ્યકાળથી જ તેનું અનેરું આકર્ષણ હતું. પિતાજીની જેમ તેમણે પણ બિકાનેરના રાજદરબારમાં અને ત્યારપછી નેપાળના રાજદરબારમાં સંગીત અને નૃત્યકલા દર્શાવી હતી. ત્યારબાદ કૉલકાતામાં ‘ન્યૂ થિયેટર’માં સંગીતકાર તિમિર બરનના સહાયક સંગીતકાર તરીકે 1935માં ‘દેવદાસ’ ફિલ્મમાં જોડાયા. 1938માં ‘સ્ટ્રીટ સિંગર’માં એક કૉમેડી ગીત ‘લો ખા લો મેડમ ખાના’ ગાયું. કહેવાય છે કે તેમણે એક વખત રસ્તે રઝળતી અને ગાયન ગાઈને ગુજરાન ચલાવતી ‘ખુર્શીદ’ નામની એક યુવતીનું ગીત સાંભળ્યું અને સંમોહિત થઈ ગયા. આથી 1939માં જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે ખુર્શીદને પણ સાથે લાવ્યા. અહીં ‘સુપ્રીમ પિક્ચર્સ’ની ફિલ્મો ‘મેરી આંખે’ અને ‘ગાઝી સલાઉદ્દીન’માં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું. ચંદુલાલ શાહે જામનરેશ રણજિતસિંહના નામ પરથી ‘રણજિત મૂવીટોન’ની સ્થાપના કરી અને ખેમચંદ આ બૅનર નીચે ઉત્તમ સંગીત આપતા થયા. તેમાં ‘પરદેશી’, ‘હોલી’, ‘ચાંદની’, ‘સિંદૂર’, ‘સાવન આયા રે’, ‘ફરિયાદ’ વગેરેને ગણાવી શકાય. 1948માં બૉમ્બે ટૉકીઝની ‘ઝિદ્દી’ ફિલ્મ પણ ઘણી પ્રશંસા પામી. આ ફિલ્મ દ્વારા તેમણે લતા મંગેશકર અને કિશોરકુમારને ફિલ્મસંગીત દુનિયામાં પ્રવેશ અપાવ્યો. તેમની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘મહલ’માં લતા મંગેશકરે ગાયેલું ‘આયેગા આનેવાલા’ ખૂબ જ લોકપ્રિય બન્યું અને સદીઓ સુધી લોકોની જીભે રમતું રહ્યું. સંગીતકાર તરીકે ખેમચંદ પ્રકાશની કેટલીક વિશેષતાઓ તેમને અન્ય સંગીતકારો કરતાં મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. તેઓ ગાયક-ગાયિકાઓ માટે એવું સ્વરનિયોજન કરતા કે ગીતોમાં અલૌકિકતા પ્રગટ થતી. તેમની મૌલિકતા એ પણ હતી કે રાજસ્થાની અને મારવાડી લોકગીતોની મધુર ધૂનોને હિન્દી ફિલ્મોમાં સ્થાન આપીને નવી ક્ષિતિજો ઉઘાડી આપી અને વળી નૌશાદ, મન્નાડે, કિશોરકુમાર અને લતા મંગેશકર જેવા દિગ્ગજોની ભેટ આપી.