પ્રતિકૂળતા સાથે દોસ્તી


યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડ્યો. પૈસા ખૂટ્યા ત્યારે ઇંદિરા ગાંધીને સ્ક્રિપ્ટ મોકલી અને એમણે પાંચ કરોડ રૂપિયાની મદદ અપાવી. આટલો બધો પુરુષાર્થ કરવા છતાં વાંકદેખુઓ રિચર્ડ એટનબરોને સવાલ પૂછતા હતા કે, ‘જે વ્યક્તિએ આખું જીવન સાદાઈથી ગાળ્યું, એવા ગાંધીને માટે આટલી મોંઘી ફિલ્મ બનાવાય ખરી ?’ પરંતુ રિચર્ડ એટનબરો ફિલ્મની કોઈ પણ બાબતમાં સમાધાન કરવા ચાહતા નહોતા. એમને માટે પૈસાની ગણતરી મહત્ત્વની ન હતી, પણ મહાત્મા ગાંધીજીનો સંદેશ જનહૃદય સુધી પહોંચે, તે મહત્ત્વનું હતું. ‘ગાંધી’ ફિલ્મ સમયે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા રિચર્ડ એટનબરો કહેતા કે એમનું આખું જીવન જ પ્રતિકૂળતાઓ વચ્ચે વીત્યું છે. આ ફિલ્મ પહેલાંનું એમનું જીવન પ્રતિકૂળતાઓથી ઘેરાયેલું રહ્યું હતું. આથી મુશ્કેલીઓ એમને મૂંઝવી શકતી નહોતી. આ સંદર્ભમાં તેઓ 1945માં અભિનેત્રી શિલા સીમ સાથે કરેલા લગ્નના પ્રસંગની વાત કરતાં કહેતા, ‘એ લગ્નના દિવસે હું જ્યારે લગ્ન અંગેની પ્રતિજ્ઞા બોલતો હતો, ત્યારે પાછળ બૉમ્બ-ધડાકા થતા હતા. અને એના મોટા અવાજોને કારણે હું જોરથી બૂમ પાડીને મારી પત્નીને કહેતો હતો, ‘હું તને પત્નીના રૂપે કબૂલ કરું છું.’ ‘જ્યારે લગ્નના સમયે આવી મુશ્કેલીઓ આવે ત્યારે સામાન્ય જીવનમાં તો આવે જ ને !’ એમ કહીને રિચર્ડ એટનબરો પ્રતિકૂળતાઓને પાછી ધકેલી દેતા હતા.