તાઇપેઈ


ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ 1949થી તે એક સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે અસ્તિત્વ ધરાવે છે. 1950થી આ નગરનો ઝડપી વિકાસ થયો છે, તેથી તે સમગ્ર એશિયાનાં સૌથી વધુ વિકાસ પામતાં નગરો પૈકીનું એક છે. આ નગરનું મૂળ ક્ષેત્રફળ લગભગ 67 ચોકિમી. હતું, પણ 1967માં અહીં નગરપાલિકા સ્થપાતાં આ ટાપુના સમગ્ર ઉત્તર ભાગમાં આવેલાં કી-લંગ અને તાન-શુઈ બંદરો સહિત ઘણાં ગામડાં અને કસબાઓને આ શહેરી વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યાં હતાં, જેથી તેનું ક્ષેત્રફળ વધીને 272 ચોકિમી. જેટલું થયું. આ શહેરની વસ્તી 24,62,482 (મ્યુનિસિપાલિટી) 90,78,000 મહાનગર (2022) છે. વિશ્વમાં ગીચ વસ્તી ધરાવતાં નગરોમાં તેનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય સંગ્રહાલય, તાઇપેઈ

આ નગર વ્યાપાર, ઉદ્યોગ તથા વાહનવ્યવહાર જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં ટાપુનાં અન્ય નગરો કરતાં અગ્રેસર રહ્યું છે. અહીં દેશનાં અગત્યનાં સુતરાઉ કાપડનાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. અહીં ખાસ કરીને વીજાણુ પુરજા અને ઉપકરણો, વિદ્યુત-યંત્રસામગ્રી અને ઉપકરણો, તાર, મોટરસાઇકલ, પ્લાસ્ટિક તથા રબરનો સરસામાન, વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરવામાં આવતી ચીજવસ્તુઓ, નૌકા તથા જહાજ-બાંધકામ, હસ્તકૌશલ્યની વિવિધ ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. તે શંગ-શાન નામનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. ત્યાં ઉત્તમ પ્રકારની જાહેર આરોગ્યવિષયક સેવાઓ ઉપલબ્ધ છે. નગરમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, તકનીકી અને વ્યવસાયલક્ષી શિક્ષણસંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ તથા નૅશનલ તાઇવાન યુનિવર્સિટી, નૅશનલ તાઇવાન નૉર્મલ યુનિવર્સિટી અને નૅશનલ ચેંગચી યુનિવર્સિટી આવેલી છે. નગરમાં અનેક જોવાલાયક સ્થળો છે. તે પૈકીનું રાષ્ટ્રીય સંગ્રહસ્થાન ખૂબ સમૃદ્ધ છે. તેમાં હસ્તકલાકારીગરી, ચિત્રકામ, ભરતકામ, ચિનાઈ માટીનાં વાસણો તથા બીજી અનેક પ્રકારની પ્રાચીન અમૂલ્ય ચીજવસ્તુઓના લગભગ છ લાખ જેટલા નમૂના છે. આ સિવાય નગરમાં સંખ્યાબંધ ખ્રિસ્તી દેવળો તેમજ તાઓ તથા બૌદ્ધમંદિરો છે. તાઇપેઈના મધ્ય ભાગથી આશરે 16 કિમી. દૂર પર્વતની તળેટીમાં ગરમ પાણીના ઝરા છે અને આશરે 11 કિમી. દૂર ગ્રીન સરોવર આવેલું છે, જ્યાં જલવિહાર તથા જલરમતોની સુવિધાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇપેઈ, પૃ. 751 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇપેઈ/)