રાજ કપૂર


જ. 14 ડિસેમ્બર, 1924 અ. 2 જૂન, 1988

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરનું આખું નામ રણવીરરાજ પૃથ્વીરાજ કપૂર હતું. અભિનય પિતા તરફથી વારસામાં મળ્યો હતો. મૅટ્રિકમાં નાપાસ થયા પછી તેઓ ચલચિત્ર-ક્ષેત્રે આવી ગયા હતા. રણજિત સ્ટુડિયોમાં દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. તે પછી બૉમ્બે ટૉકીઝમાં અમિય ચક્રવર્તી સાથે અને ફિલ્મિસ્તાનમાં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. તે સાથે પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ તેમણે મદદનીશ તરીકે ફરજ બજાવી  હતી. રાજ કપૂરે 1935માં ન્યૂ થિયેટર્સના ‘ઇન્કિલાબ’ નામના ચલચિત્રમાં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. નાયક (હીરો) તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી તો ચલચિત્રમાં તેમને કેદાર શર્માની ફિલ્મ ‘નીલકમલ’માં તક મળી હતી. ફિલ્મ ‘આગ’માં તેમણે પહેલી વાર નરગિસ સાથે કામ કર્યું અને આ ફિલ્મથી જ નરગિસ સાથેની તેમની જોડીએ એક પછી એક  સફળ ચલચિત્રો આપ્યાં. ‘આગ’ ફિલ્મ પોતાની ચિત્રનિર્માણ સંસ્થા ‘આર. કે. ફિલ્મ્સ’ દ્વારા નિર્માણ પામી હતી. જેનું દિગ્દર્શન પણ રાજ કપૂરે જ કર્યું હતું. તેમની બીજી ફિલ્મ ‘બરસાત’ની સફળતાએ તેમને નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા તરીકે પ્રથમ હરોળમાં મૂકી દીધા હતા. અર્થપૂર્ણ ગીતો અને કર્ણપ્રિય સંગીત એમનાં ચલચિત્રોનું એક આગવું પાસું રહ્યાં છે. તેમનું ‘બૂટપોલિશ’ ચલચિત્ર અમેરિકામાં રજૂ થયું ત્યારે ખ્યાતનામ ‘ટાઇમ’ સાપ્તાહિકે તેને એક ઉત્તમ કલાકૃતિ ગણાવી હતી. ‘મેરા નામ જોકર’ તેમનું આત્મકથાત્મક અને સફળ ચલચિત્ર છે. ‘શ્રી 420’, ‘જાગતે રહો’, ‘બોબી’, ‘સંગમ’, ‘તીસરી કસમ’, ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘છલિયા’, ‘પ્રેમરોગ’ અને ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી અનેક યાદગાર ફિલ્મ આપણને તેમની પાસેથી મળી છે. 1988માં તેમનું નિધન થયું તેના એક મહિના પહેલાં તેમને ફિલ્મજગતના શ્રેષ્ઠ પારિતોષિક દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.