સમસ્યાનો ઉકેલ


પ્રશ્નોને ઉકેલવાને બદલે એને ‘કોલ્ડ સ્ટોરેજ’માં રાખીને એકઠા કરવાની ઘણી વ્યક્તિઓને આદત હોય છે, તો કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે પોતાની રોજિંદી સમસ્યાને પણ મહાસમસ્યા તરીકે અનુભવતી હોય છે. જેમ કે કોઈની મુલાકાતે જતી વખતે દસેક મિનિટ સુધી રિક્ષા કે ઉબર ન મળે, તો વ્યક્તિ એટલી બધી અકળાઈ જાય છે કે જાણે એને એનું આખુંય જીવન સમસ્યાઓથી ઊભરાઈ ગયેલું લાગે છે. એક બીજી બાબત એ છે કે આપણી ઇંદ્રિયોને સમસ્યા સાથે પ્રગાઢ સંબંધ છે. આપણને કાનથી કોઈક વાત સાંભળવા મળે અને પછી મનમાં એ ઘૂંટાયા કરે, એમાંથી મનમાં શંકા અને દ્વેષ જાગે, બદલો લેવાની ઇચ્છા થાય અને એ બદલો લેવાની અશક્તિ કે એનું આયોજન એ તમારી સામે સમસ્યા રૂપે ખડાં થઈ જાય છે. વહેલી સવારે અખબારના સમાચારો વાંચીને તમે હળવાશ અનુભવો છો ખરા ? પ્રભાતની નવી તાજગીનો અહેસાસ થાય છે ખરો ? કે પછી જગત આખું રાજકારણની મેલી રમતોથી, આત્મહત્યા અને બળાત્કારથી, પ્રજાની પરેશાની કે પછી પરસ્પરની દુશ્મનીથી તમને ઊભરાયેલું લાગે છે ? કદાચ આ તમારી સમસ્યા ન હોય, પણ ‘જગત આખું સમસ્યાઓથી ભરેલું છે અને એમાં હું જીવી રહ્યો છું’, એવો ભાવ તો જરૂર થશે. આ સમસ્યાઓના જગતમાં જેમ જેમ વધુ જીવતા જઈએ, તેમ તેમ સમસ્યાઓથી વધુ ઘેરાતા જઈએ છીએ અને પછી જીવન આખુંય સમસ્યામય લાગે છે. આથી જ એક પછી એક સમસ્યાના ઉપાયની ખોજ કરવી જોઈએ. તમે અત્યંત સ્થૂળ શરીર ધરાવતા હશો તો રાતોરાત પાતળા થઈ શકશો નહીં. આથી એને સમસ્યારૂપ ગણીને ચાલવાને બદલે એનો ઉપાય શોધો. એના પ્રત્યે ‘નૅગેટિવ’ દૃષ્ટિએ જોવાનું બંધ કરીએ અને સમસ્યાની સામે માથું ઝુકાવી દેવાને બદલે જરા ટટ્ટાર થઈને ઊભા રહો. હતાશ, નિરાશ થઈને માથું ઢાળીને બેસી રહેનારની નિરાશા વધુ ઘેરી બને છે અને ટટ્ટાર ઊભા રહેનારના શરીરમાં એક ઊર્જા પ્રગટ થાય છે. આમ પૉઝિટિવ વિચાર કરવાથી આપણા પ્રશ્નોના એક પછી એક ઉકેલ તરફ જઈ શકીએ છીએ અને જેમ જેમ સમસ્યાને સ્વસ્થતાથી ઉકેલતા જઈએ, તેમ તેમ સમસ્યાના ઉકેલની ઘણી નવી સૂઝ અને ઉપાય પણ મળી જશે.