હરિયાળી ક્રાંતિ (green revolution)


નવી ટૅક્નૉલૉજી દ્વારા ભારતમાં ખેતીક્ષેત્રે ટૂંકા સમયમાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ.

‘હરિયાળી’ એટલે લીલોતરી. એ શબ્દ વનસ્પતિની – ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે; જ્યારે ‘ક્રાંતિ’ શબ્દ મૂળભૂત પરિવર્તન સૂચવે છે. ભારતના હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉ. એમ. એસ. સ્વામીનાથન નોંધે છે કે, ‘ખેતવિકાસની પ્રક્રિયા એ ફક્ત અન્નક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ઝડપી અને વધુ શક્ય આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.’ હરિયાળી ક્રાંતિ એટલે ખેતીક્ષેત્રે ઉત્પાદનપદ્ધતિમાં આમૂલ પરિવર્તન; પરંતુ આ આમૂલ પરિવર્તન સાથે કેટલીક બાબતો જોડાયેલી છે.

હરિયાળી ક્રાંતિ દર્શાવતો પંજાબનો એક ક્ષેત્રવિસ્તાર

આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા : ઊંચી ઉત્પાદકતા ધરાવતાં બીજ, રાસાયણિક ખાતરો અને સમયસર અને પૂરતો પાણી-પુરવઠો. વધુ ઉત્પાદકતા ધરાવતાં બીજની એ ખાસિયત છે કે તેમાંથી ઊગતા છોડની લંબાઈ ઓછી રહે છે અને તે ઝડપથી પરિપક્વ થાય છે, તેથી તેને ખાતર રૂપે પૂરતું પોષણ અને સમયસર માપસરનું – પૂરતું પાણી મળવું જોઈએ. આની સાથે જંતુનાશક દવાઓનો વ્યાપક ઉપયોગ સંકળાયેલો છે; કેમ કે નવાં બિયારણ પર આધારિત પાક સરળતાથી રોગચાળાનો અને જીવજંતુઓનો ભોગ થઈ પડે છે. ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિ ૧૯૬૬માં રવી પાકથી શરૂ થઈ. ભારતના કૃષિક્ષેત્ર પર આને પરિણામે અનેક પ્રકારની અસરો પડી છે. તેની કેટલીક સારી અસરો નીચે પ્રમાણે છે : (૧) ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિના કારણે કેટલાંક ધાન્યો અને વ્યાપારી પાકોના ઉત્પાદનમાં વધારો થયો. (૨) નવાં સુધરેલાં બિયારણો અને આધુનિક પદ્ધતિના ઉપયોગથી ખેત-ઉત્પાદકતામાં વધારો થયો. (૩) ઘઉંના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો. ત્યાર બાદ ચોખા અને અન્ય ધાન્ય-પાકોમાં પણ અનુકૂળ અસરો દેખાવા માંડી. કપાસ, શેરડી, શણ અને કૉફી જેવા પાકોમાં ઉત્પાદન વધ્યું. (૪) ખેડૂતોના દૃષ્ટિબિંદુમાં ફેરફાર થવા લાગ્યો. તેઓ વધુ ઉત્પાદન અને તેના સારા ભાવો કઈ રીતે મેળવવાં તે અંગે વિચારતા થયા. તેઓની આવકમાં પણ વધારો થયો. (૫) હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં વધારાના કારણે અનાજની આયાત ઘટવા માંડી. (૬) રોજગારીની તકોમાં વધારો થયો. (૭) ઔદ્યોગિક ક્ષેત્રે નવા ઉદ્યોગોને વેગ મળ્યો. (૮) ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થયો. (૯) સમગ્ર દુનિયાના કૃષિ-ઉત્પાદનમાં હિસ્સાની દૃષ્ટિએ ભારત અગ્રણી બન્યું છે. નવી ટૅક્નૉલૉજીની કેટલીક મર્યાદાઓ પણ છે તે છતાં પણ તેને ‘હરિયાળી ક્રાંતિ’ જેવું મોટું નામ આપવામાં આવ્યું છે તે હકીકતને સમજવા માટે પંજાબનું ઉદાહરણ તપાસી શકાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાળી ક્રાંતિ (green revolution), પૃ. 126)