જ. 17 ડિસેમ્બર, 1885 અ. 2 ફેબ્રુઆરી, 1930

નિર્ભય અને પ્રબુદ્ધ પ્રશાસક લાખાજીરાજસિંહજી દ્વિતીયનો જન્મ રાજકોટમાં થયો હતો. પિતા બાવાજીરાજસિંહજી અને માતા આનંદકુંબરબા. માતા ધરમપુર નારણદેવજી બીજાનાં પુત્રી હતાં. તેમણે પાંચ વર્ષની ઉંમરે 1890માં પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ રાજકોટ રાજ્યની ગાદીના વારસદાર બન્યા, પરંતુ 21 ઑક્ટોબર, 1907ના રોજ તેમને સત્તાની ધુરા સોંપવામાં આવી. તેઓ બાળપણમાં મોસાળ ધરમપુરમાં રહેતા. રાજકોટની રાજકુમાર કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. અભ્યાસ દરમિયાન તેઓ ટેનિસ, પોલો અને ઍથ્લેટિક્સ જેવી રમતોમાં ભાગ લેતા. ક્રિકેટ તેમની પ્રિય રમત હતી. કાઠિયાવાડની ઘણી સંસ્થાઓ સામે શાળા તરફથી ક્રિકેટ રમ્યા હતા. રાજકુમાર કૉલેજમાં અંતિમ વર્ષમાં બધા વર્ગો પાસ કરનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા. તેઓ 1905 દહેરાદૂનમાં ઇમ્પીરિયલ કૅડેટ કૉર્પ્સ માટે ગયા. માર્ચ, 1907માં સ્નાતક થયા. તેમણે ઘણી વખત ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી. તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા શાસક હતા. તેમનું જીવન પારદર્શી અને અનુકરણીય હતું. તેઓ પ્રજાને મુક્તપણે મળતા હતા. હૃદયથી રાષ્ટ્રવાદી હોવાથી ગાંધીજીના પ્રશંસક હતા. તેમણે 1910માં સ્ટેટ બૅન્કની સ્થાપના કરી. તેમણે રાજ્યમાં બંધારણીય સુધારાઓ કર્યા અને સ્વતંત્ર રીતે ચૂંટાયેલી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. તેમણે 1911માં યોજાયેલ દિલ્હી દરબારમાં હાજરી આપી હતી. 3 જૂન, 1918ના રોજ તેમણે નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના સાતમા ઠાકોરસાહેબ લોકપ્રિય અને કુશળ શાસક તરીકે લોકોના હૃદયમાં વસેલા છે.
અનિલ રાવલ
