જે. જે. થોમસન


જ. 18 ડિસેમ્બર, 1856 અ. 30 ઑગસ્ટ, 1940

ઇલેક્ટ્રૉનના જનક તરીકે જાણીતા સર જે. જે. થોમસનનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનું પૂરું નામ જોસેફ જોન થોમસન હતું. તેમના પિતા દુર્લભ પુસ્તકોનો વેપાર કરતા હતા. જે વેપાર પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો હતો. જે. જે. થોમસનને પુસ્તકો વાંચવાનો ગજબનો શોખ હોવાથી પરિવારે તેને એન્જિનિયરિંગ કરાવવાનું નક્કી કર્યું. તેમનો એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું. થોમસન ભણવામાં બહુ હોશિયાર હોવાથી તેના અભ્યાસનો ભાર મિત્રોએ ઉપાડી લીધો હતો. પછીથી તેમને સ્કૉલરશિપ પણ મળી એટલે તેમનો અભ્યાસ ક્યાંય અટક્યો નહીં. અભ્યાસ પૂર્ણ કરીને જે. જે. થોમસન કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. આ ઉપરાંત પ્રયોગશાળામાં પ્રયોગ પણ કરતા હતા. 1884માં પ્રયોગશાળાના અધ્યક્ષ લૉર્ડ રેલેને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે 28 વર્ષના છોકરા જે. જે. થોમસનની પસંદગી કરી હોવાથી નાની ઉંમરમાં આખી પ્રયોગશાળા સંભાળવાનો ભાર થોમસન પર આવી ગયો હતો. થોમસને ખૂબ મહેનત કરી. પરિણામ એ આવ્યું કે તેમના નિર્દેશનમાં એ સંસ્થા વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વની ઉત્તમ સંસ્થા બની. આ પ્રયોગશાળામાં થોમસનને પોતાનું જીવનકાર્ય અને જીવનસાથી બંને પ્રાપ્ત થયાં. જે. જે. થોમસને ઇલેક્ટ્રૉનની શોધ કરી હોવાથી તેમને ઇલેક્ટ્રૉનના જનક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમને આઇસોટોપના શોધક પણ માનવામાં આવે છે. આ સિવાય તેમણે સાબિત કર્યું કે કૅથોડ કિરણને કોઈ ચુંબકીય અને વિદ્યુતક્ષેત્ર પણ વિચલિત કરી શકે છે. તેમણે કરેલાં આ બધાં સંશોધનોને કારણે તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.