સહિષ્ણુતા અને સ્વપ્નસિદ્ધિ


આજના યુગમાં માનવીની સહિષ્ણુતા સાવ ઘટી ગઈ છે અને એની અધીરાઈ સતત વધતી જાય છે. એની સમક્ષ કોઈ પ્રશ્ન આવે કે એ ક્ષણનાય વિલંબ વિના તત્કાળ એનો પ્રતિભાવ આપતો હોય છે. સહેજે અણગમતી પરિસ્થિતિ ઊભી થાય, તો એની સામે એના ગુસ્સાના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. આવી અધીરાઈને કારણે વ્યક્તિ પોતાની જિંદગીના સવાલો વિશે સ્વસ્થપણે વિચારી શકતી નથી. પોતાના જીવનમાં જાણે કોઈ ઝડપી દોડની સ્પર્ધામાં ઊતર્યો હોય એ રીતે તત્કાળ ઉત્તર આપતો રહે છે. એ સાચું છે કે પ્રત્યેક વ્યક્તિ પાસે એક સ્વપ્ન હોય છે અને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે એ અથાગ પ્રયત્ન કરતો હોય છે, પરંતુ આવો પ્રયત્ન કરનારે સતત રાત-દિવસ ધૈર્ય ધારણ કરીને પ્રયોગશાળામાં પ્રયોગ કરનાર થોમસ આલ્વા એડિસન જેવા વિજ્ઞાનીઓનો વિચાર કરવો જોઈએ, જેઓ નિષ્ફળ પ્રયોગોની હારમાળા વચ્ચેય ક્યાંય અકળાયા નથી કે અટક્યા નથી.  વ્યક્તિનું સ્વાસ્થ્ય સુદૃઢ હોય તો એ સતત કામ કરી શકે છે, પરંતુ કોઈક દિવસ અણધારી બીમારી આવી જાય, સંસારની પરિસ્થિતિમાં એકાએક પલટો આવે અથવા તો સ્વપ્નસિદ્ધિ માટેની મહેનતમાં થોડી વાર અટકી જવું પડે તેમ હોય, તો એવા સમયે શાંતિથી થોભી જવાની સહિષ્ણુતા વ્યક્તિમાં હોવી જોઈએ. ક્યારેક વ્યક્તિ ઉત્સાહથી કેટલાંય કામો કરી શકતી હોય છે અને ક્યારેક એ કશુંક ન કરી શકતાં હતોત્સાહ બની જતી હોય છે. વ્યક્તિ પાસે ધૈર્ય હોય તો આવી હતોત્સાહની વિપરીત પરિસ્થિતિને પાર કરી શકે છે. જો એનામાં સહિષ્ણુતાનો અભાવ હશે, તો એ ક્યાં તો પરિસ્થિતિ સામે ગુસ્સો ઠાલવીને બેચેન કે ઉદાસ બની જાય છે અથવા તો એની અસહિષ્ણુતા જ એના કાર્યમાં અવરોધરૂપ બને છે. કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પણ એને પાર પાડવા માટે ધૈર્યની જરૂર છે. ધીરજથી વિચારનાર પોતાની ભૂલ સમજી શકે છે. ચોપાસની પરિસ્થિતિનો શાંતિથી તાગ મેળવી શકે છે અને એથી જ એ અણગમતા સંજોગો કે નિષ્ફળતાને અળગી કરીને આત્મવિશ્વાસથી આગળ ડગ ભરે છે અને વિચારે છે કે એનું આ એક પગલું ભવિષ્યમાં એને સફળતાની મંજિલે પહોંચાડશે.