જ. 20 ડિસેમ્બર,1890 અ. 27 માર્ચ, 1967

ચેક ભૌતિક-રસાયણવિદ અને 1959ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમનો જન્મ તે સમયના ચેકોસ્લોવાકિયાના પ્રાગ શહેરમાં થયો હતો. તેમણે શરૂઆતનો અભ્યાસ 1909 સુધી પ્રાગમાં સેકન્ડરી સ્કૂલમાં કર્યો. ત્યારબાદ પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કર્યો. 1910થી 1914 સુધી તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1913માં જ બી.એસસી.ની ઉપાધિ મેળવી લીધી. પ્રથમ વિશ્વયુદ્ધ થતાં તેમણે મિલિટરી હૉસ્પિટલમાં કેમિસ્ટ અને રેડિયોલૉજિસ્ટ તરીકે કાર્ય કર્યું. 1918માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી અને 1921માં ડૉક્ટર ઑફ સાયન્સની ઉપાધિ મેળવી. ચાર્લ્સ યુનિવર્સિટી ખાતેની તેમની કારકિર્દી લાંબી અને વિશિષ્ટ પ્રકારની હતી. તેમની કારકિર્દીની શરૂઆત પ્રાગની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍનાલિટિકલ કેમિસ્ટ્રી ઑફ ચાર્લ્સ યુનિવર્સિટીમાં કરી. ત્યાં પ્રાધ્યાપક બી. બ્રાઉનરના હાથ હેઠળ કાર્ય કર્યું. ત્યારબાદ 1922માં તેમને સહાયક પ્રાધ્યાપક તરીકેની બઢતી મળી. 1926માં તેઓ યુનિવર્સિટીના પ્રથમ ભૌતિક-રસાયણશાસ્ત્રના અધ્યાપક બન્યા. અહીં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા બાદ તેઓ 1926-1954 સુધી ભૌતિક-રસાયણ વિભાગમાં પ્રાધ્યાપક અને પછી નિયામક બન્યા. 1950 અને 1952-1963 દરમિયાન તેઓ ચેકોસ્લોવાક એકૅડેમી ઑફ સાયન્સીઝના પોલેરોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટના નિયામક રહ્યા હતા. હેરૉવ્સ્કીએ પ્રથમ પોલેરોગ્રાફ 1924માં વિકસાવ્યો હતો, પણ તેને સામાન્ય વપરાશમાં આવતાં અને માનક (સ્ટાન્ડર્ડ) પદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થતાં દસ વર્ષ જેટલો સમય લાગેલો. 1941માં હેરૉવ્સ્કીનું વિવરણાત્મક પુસ્તક (મૉનોગ્રાફ) પોલેરોગ્રાફિક પર પ્રકાશિત થયું હતું. તેમને ચેકોસ્લોવાકિયા, જાપાન, ઑસ્ટ્રિયા, ઇંગ્લૅન્ડ અને ભારતમાં અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. વિશ્લેષણની પોલેરોગ્રાફિક પદ્ધતિની શોધ અને વિકાસ બદલ તેમને 1959ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1965માં તેમને ‘ફૉરેન મેમ્બર ઑફ ધ રૉયલ સોસાયટી’ના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમના વિશિષ્ટ પ્રદાન માટે પ્રાગની કાપ્રોવા શેરીમાં તેમની ધાતુની નકશીદાર તકતી મૂકવામાં આવી છે.
રાજશ્રી મહાદેવિયા
