ચૌધરી ચરણસિંહ


જ. 23 ડિસેમ્બર, 1902 અ. 29 મે, 1987

ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા ભારતના પૂર્વવડાપ્રધાન ચરણસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના  મેરઠના નૂરપુર ગામે એક જાટ પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રૅક્ટિસ શરૂ કરી હતી. 1929માં તેઓ મેરઠ પાછા ફર્યા અને કૉંગ્રેસમાં જોડાયા હતા. ચરણસિંહ ચૌધરી છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશની વિધાનસભામાં 1937માં ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 1946, 1952, 1962 અને 1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. જૂન, 1951માં રાજ્યના કૅબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 1954માં તેઓ ડૉ. સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં મહેસૂલ અને કૃષિ કૅબિનેટ મંત્રીપદે રહ્યા હતા. અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા ચૌધરી ચરણસિંહ પોતાના કઠોર પરિશ્રમ માટે ખૂબ જાણીતા હતા. સંસદીય અને વ્યવહારુ વલણ ધરાવતા હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા માટે પણ તેમની પ્રસિદ્ધિ હતી. તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીનસુધારણાના શિલ્પી હતા. તેમણે કરેલી પહેલને પગલે જ  ઉત્તરપ્રદેશના મંત્રીઓને મળતા ઊંચા પગાર અને અન્ય અધિકારો પર કાપ મુકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે લૅન્ડ હોલ્ડિંગ ઍક્ટ, 1960ને અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. એક સમર્પિત જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ એમની તાકાત હતી. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. ફુરસદના સમયનો ઉપયોગ વાંચન-લેખનમાં કરતા હોવાથી ‘જમીનદારીનાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ‘ગ્રામીણોની માલિકી અને કામદારોની જમીન’ જેવાં પુસ્તકો અને ચોપાનિયાંના તેઓ લેખક રહ્યા હતા.