હવેલી


મોટું ને સુંદર બાંધણીવાળું મકાન – મહાલય તેમ જ એ પ્રકારની બાંધણીવાળું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર.

હવેલી-૧ : ‘હવેલી’ શબ્દ અરબી ભાષામાંથી આવેલો છે. તે ઐતિહાસિક કે સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા મોટા મહાલય માટે ભારત તથા પાકિસ્તાનમાં વપરાય છે. પોતાની સમૃદ્ધિ અને દરજ્જો પ્રદર્શિત કરવા શ્રીમંતો હવેલીમાં ખૂબ ખર્ચ કરતા હતા. ભારતમાં રાજસ્થાન, ગુજરાત, આગ્રા, લખનઉ અને દિલ્હીમાં હવેલીઓ જોવા મળે છે. ‘હવેલી’ શબ્દ સાંભળતાં ચૉકવાળા મકાનનું સ્મરણ થાય છે. તેમાં ક્યારેક ફુવારો અને કુંડ પણ હોય છે. શ્રીમંત કુટુંબો પોતાના નિવાસ માટે હવેલી જેવાં ઘરો બનાવે છે. હવેલી એટલે ઓટલા, ખડકી, ચૉક, પરસાળ, ઓરડો, ઝરૂખા વગેરેવાળું વિશાળ મકાન. ક્યારેક તેમાં અંદર નાનો બગીચો પણ હોય છે. આ મકાન ચારેય બાજુ ઊંચી દીવાલો ધરાવે છે અને તેમાં પ્રવેશ માટે એક દરવાજો હોય છે. ચૉક ઉપરથી ખુલ્લો હોવાથી આવાં ઘરોમાં હવા-ઉજાસ સારાં હોય છે. ગુજરાતની હવેલીઓમાં સુંદર કોતરણીવાળું કાષ્ઠકામ જોવા મળે છે. તેમનાં થાંભલા, ટોડલા, કમાનો, ઝરૂખા-જાળીવાળી બારીઓ વગેરે સુંદર કાષ્ઠકામથી સજાવેલાં હોય છે. તેમાં અપ્સરાઓ તથા ગાંધર્વોની આકૃતિઓ પણ કોતરેલી હોય છે.

શેખાવતમાં આવેલી એક સુંદર હવેલીનો ચૉક, રાજસ્થાન

રાજસ્થાનમાં શેખાવતમાં પણ સુંદર હવેલીઓ આવેલી છે. ત્યાં હવેલીમાં બહાર અને અંદર બે ચૉક  હોય છે. બહારના ચૉકનો વપરાશ પુરુષો કરતા હોય છે અને અંદરના ચૉકનો સ્ત્રીઓ. તેની ભીંતો પર સુંદર ચિત્રો કરેલાં હોય છે. ગુજરાતમાં આવેલ નોંધપાત્ર હવેલીઓમાં વડોદરામાં સૂરેશ્વર દેસાઈની હવેલી તથા હરિભક્તિની હવેલી છે. શાંતિદાસ ઝવેરીની હવેલીઓ ઝવેરીવાડમાં હતી. કમનસીબે તે આગમાં નષ્ટ થઈ ગઈ. અમદાવાદમાં હઠીસિંહની બે પ્રસિદ્ધ હવેલીઓ છે : દોશીવાડાની પોળમાં તથા ફતાશાની પોળમાં. બંને હવેલીઓમાં કાષ્ઠ-કોતરકામ સુંદર છે. અમદાવાદમાં ખાડિયામાં સારાભાઈ કુટુંબની સુંદર હવેલી આવેલી છે. વસોમાં આવેલી દરબારસાહેબની હવેલી તથા વિઠ્ઠલદાસની હવેલી રક્ષિત સ્મારક તરીકે સચવાઈ રહી છે. તેમાં રાસલીલા તથા વૈષ્ણવ પુરાણ-કથાનાં દૃશ્યો આલેખાયેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવેલી, પૃ. 137)