જ. 26 ડિસેમ્બર, 1935 અ. 1999

મેડિકલ ડૉક્ટર મેબલ અરોલેનો જન્મ જબલપુરમાં થયો હતો. અરોલે પિતા રાજપ્પાનનું બીજું સંતાન હતી. તેના પિતા ન્યૂ ટેસ્ટામેન્ટ ગ્રીકના પ્રોફેસર હતા અને માતા બીઆટ્રાઇસ ગુનારત્ન પિલ્લાઈ હતાં. મેબલનાં લગ્ન રજનીકાંત અરોલેની સાથે થયાં હતાં. ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલોરમાં તેની મુલાકાત રજનીકાંત સાથે થઈ હતી. 1959માં તેઓ બંને સાથે ગ્રૅજ્યુએટ થયાં અને પોતાની જિંદગી ગરીબ લોકોની સંભાળ કરવા માટે વિતાવવાનો નિર્ણય કર્યો. તેઓ બંનેએ વડાલામાં આવેલ મિશન હૉસ્પિટલમાં 1962થી 1966 સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ચાર વર્ષ માટે ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે મેડિસિન અને સર્જરીમાં રેસિડન્સી ટ્રેનિંગ લેવા માટે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયાં. ત્યાં જનસમૂહના આરોગ્ય માટેના આગેવાન એવા કાર્લ ટેલરની દોરવણી હેઠળ ભારતના ગરીબ લોકો માટેના પ્રાથમિક આરોગ્ય અને વિકાસ માટે તૈયાર થયાં. અભ્યાસ પૂરો થતાં જ તેઓ ભારત પાછાં આવ્યાં પછી એક દુષ્કાળગ્રસ્ત તાલુકો જામખેડમાં કામ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે કુલ 10,000 વસ્તીવાળાં આઠ ગામોમાં કામ શરૂ કર્યું. આ પ્રોજેક્ટનાં પ્રથમ 25 વર્ષમાં તેઓએ 2,50,000 લોકોને આવરી લીધા. ધીમે ધીમે તેઓએ 178 ગામોમાં કામ કર્યું જેનાં પરિણામો ખૂબ આશ્ચર્યજનક હતાં, કારણ કે બાળકોનો મૃત્યુદર 1000 બાળકોમાંથી 176થી ઘટી 23 જેટલો થઈ ગયો. આ ઉપરાંત બીજાં પરિણામો આરોગ્યમાં સુધારો દર્શાવતાં હતાં. સુવાવડી સ્ત્રીઓના આરોગ્ય અને બાળકોનાં કુપોષણનો દર એક ટકાથી ઓછો હતો. 40 વર્ષ સુધી તેઓએ 300 ગામોમાં લગભગ 50,000 લોકોને સેવાઓ આપી. આ પ્રોજેક્ટનો લાભ લગભગ દસ કરોડ લોકોએ લીધો હતો. મેબલને રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળેલો છે.
અંજના ભગવતી
