જ. 27 ડિસેમ્બર, 1942 અ. 3 ડિસેમ્બર, 1971

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અદ્વિતીય પરાક્રમ કરી શહીદ થનાર આલ્બર્ટ એક્કાનો જન્મ બિહારના ગુમલા જિલ્લાના જરી ગામમાં થયો હતો. પિતા જુલિયસ અને માતા મરિયમ. પ્રાથમિક શિક્ષણ સી. સી. સ્કૂલ, પટરાટોલીમાં અને માધ્યમિક શિક્ષણ મિડલ સ્કૂલ, ભીખાપુરમાં મેળવ્યું. બાળપણથી સેનામાં જોડાવાની ઇચ્છા હતી. તેઓ સારા હૉકી ખેલાડી હતા. 1962માં ભારતીય સેનામાં જોડાયા. 3 ડિસેમ્બર, 1971ની રાત્રે 14મી ગાર્ડ્ઝની કંપનીના 120 જવાનો સાથે લાન્સનાયક આલ્બર્ટ એક્કા અગરતલાથી ચારેક કિમી.ના અંતરે આવેલા ગંગાસાગર તરફ નીકળ્યા. રસ્તામાં પાકિસ્તાની સૈનિકોએ ઍન્ટિટૅન્ક અને ઍન્ટિપર્સોનેલ સુરંગો પાથરી હતી. રેલવે ટ્રૅકના માટીના પાળા પર ચાલતા એક સૈનિકનો પગ તારમાં આવતાં પ્રકાશ થયો. થોડે દૂર બંકરની બહાર ઊભેલા પાકિસ્તાની સૈનિકે આ જોયું. આબ્લર્ટે દોડીને તેની છાતીમાં બૅયોનેટ મારી. બીજા સૈનિકો આવી પહોંચતાં બંકરમાંના સૈનિકોને મારી નાખ્યા. ગોળીબારમાં આપણા કેટલાક સૈનિકો શહીદ થયા. આલ્બર્ટને પણ ગોળી વાગી. તેમ છતાં તેઓ ગોળીબાર કરતા દુશ્મનના બંકર તરફ ગયા. આ દરમિયાન તેમને હાથમાં અને ગરદનમાં ગોળી વાગી તોપણ દુશ્મનોને માર્યા. પાકિસ્તાની સૈનિકો રેલવેની ઊંચી કૅબિનમાં હતા. આલ્બર્ટ ઘાયલ થયા હતા તોપણ તેઓ ઘસડાઈને કૅબિન સુધી પહોંચ્યા અને ગ્રેનેડનો મારો કર્યો. ગોળીબાર વચ્ચે તેઓ કૅબિનની સીડી ચડી ઉપર ગયા અને દુશ્મનોનો સફાયો કર્યો. લોહી વહી જવાથી અશક્તિ આવી હતી તોપણ કૅબિનની બહાર નીકળ્યા. સીડીના પગથિયે પડી જતાં તેમનો નિષ્પ્રાણ દેહ ગબડીને જમીન પર નીચે આવ્યો. બહાદુરી અને હિંમતપૂર્વક દુશ્મનોનો સફાયો કરી સાથી સૈનિકોના જીવ બચાવી શહાદત વહોરનાર આલ્બર્ટ એક્કાને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં ‘આલ્બર્ટ એક્કા ચૉક’માં તેમનું પૂતળું મૂકવામાં આવ્યું છે.
અનિલ રાવલ
