હસ્તકળા


ઘરવપરાશની કે જાહેર વપરાશની ચીજ-વસ્તુઓને હાથ વડે સુંદર અને આકર્ષક બનાવવાની કુશળતા – આવડત.

આવી હસ્તકળા હજારો વર્ષોથી માણસ દાખવતો આવ્યો છે. જ્યારે યંત્રો શોધાયાં નહોતાં ત્યારે ધારદાર પથ્થર વડે લાકડામાંથી પાત્રો બનાવવાં, ટોપલા-ટોપલીઓ ગૂંથવી, દોરાને ગૂંથી તેમાંથી કેટલીક અવનવી ચીજ-વસ્તુઓ બનાવવી – આવી આવી હાથકારીગરી અને કલાની અનેક ચીજવસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ આદિમ કાળથી ચાલતી આવી છે. ભારતનાં વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિ છે. એમનું લોકજીવન પણ વૈવિધ્યસભર છે. તેમનું પ્રતિબિંબ, તેમનો પ્રભાવ હસ્તકળાની ચીજ-વસ્તુઓમાં જોવા મળે છે. દરેક રાજ્યની – ત્યાંની પ્રજાની આગવી હસ્તકળા છે – અનોખી શૈલી છે, જે તેમની હસ્તકળાની કલાકૃતિઓ જોતાં પ્રતીત થાય છે.

હસ્તકલાથી તૈયાર થયેલી વસ્તુઓ

ગુજરાતમાં વિવિધ જાતનાં ભરત-ગૂંથણ દ્વારા બનતા ચાકળા અને ચંદરવાઓ, ચણિયા, કમખા અને કેડિયાં જોવા મળે છે. આ ઉપરાંત બાળકો માટેના પહેરવેશ પણ સુંદર ભરતગૂંથણવાળા જોવા મળે છે. વળી અશ્વો, ઊંટ તથા બળદો માટેના સાજમાં અવનવું કલાત્મક ભરતગૂંથણ કરેલું જોવા મળે છે. મોતીકામનાં તોરણો તથા તરણેતરના મેળામાં જોવા મળતી રંગબેરંગી છત્રીઓમાં ગુજરાતની ભરતગૂંથણની ઉત્તમ કળાનો પરિચય થાય છે. જરી-કિનખાબવાળી, હાથવણાટની અને ગાંઠો વાળીને બાંધેલી બાંધણીઓ, અજરખ કામવાળાં વસ્ત્રો ગુજરાતમાં જોવા મળે છે. કચ્છનાં કાચચિત્રો, ચાંદીકામના નમૂનાઓ, માટીકામનાં વાસણો, રમકડાં, ગાય-બળદના ઘૂઘરા, લાખકામ તથા બાટિકકામના નમૂનાઓ તેમ જ માટીની કોઠીઓમાં હસ્તકળાનું દર્શન થાય છે. કચ્છનું બન્ની ભરત તેના ઝીણવટભર્યા ટાંકા, રંગોની આયોજના તેમ જ સુઘડતાને લીધે ઊડીને આંખે વળગે છે. રાજસ્થાનમાંનું બાંધણી તેમ જ લહેરિયાંનું રંગાટીકામ વખણાય છે. આમ ભારતનાં ગામ અને નગરોમાં લોકોના જીવનમાં કલાકસબ જળવાયો છે. તેઓ ગૃહ-સુશોભન અને વસ્ત્રાભૂષણ માટે હાથકારીગરીથી અનેક વસ્તુઓ બનાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તકળા, પૃ. 141)