જ. 28 ડિસેમ્બર, 1905 અ. 2 ડિસેમ્બર, 1965

ભારતીય ક્રિકેટ ખેલાડી અને ‘વિઝી’ના હુલામણા નામથી ઓળખાતા મહારાજકુમાર ઑફ વિજયાનગરમના રાજવીનું પૂરું નામ રસ વિજય આનંદ ગજપતિ રાજુ હતું. તેમણે અજમેરની માયો કૉલેજ અને ઇંગ્લૅન્ડની હેલીબરી ઍન્ડ ઇમ્પીરિયલ સર્વિસ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેઓ ટેનિસ અને ક્રિકેટના ખેલાડી હતા. તેમણે 1926માં તેમની ક્રિકેટટીમ બનાવી તેમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની ભરતી કરી. 1936માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટટીમના તેઓ કૅપ્ટન હતા. ત્રણ ટેસ્ટમૅચોમાંથી બે મૅચ હાર્યા અને એક ટેસ્ટમૅચ ડ્રૉ થઈ હતી. તેમણે આ પ્રવાસમાં ક્રિકેટર લાલા અમરનાથને અશિસ્તભર્યા વર્તન માટે ભારત પાછા મોકલ્યા હતા. આથી ક્રિકેટજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં વાઇસરૉય લૉર્ડ વિલિંગ્ડન નામ પરથી એક પેવેલિયનનું દાન આપ્યું હતું. તેમના પ્રોત્સાહનથી કાનપુર ટેસ્ટ ક્રિકેટનું કેન્દ્ર બન્યું. તેઓ 1954થી 1957 સુધી BCCIના પ્રમુખ હતા અને વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમના આમંત્રણને માન આપી સી. કે. નાયડુએ 1956-57માં ઉત્તરપ્રદેશની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 1948-49માં વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીથી રેડિયો કૉમેન્ટરી આપવાનું શરૂ કર્યું હતું. 1959માં તેઓ ભારતના ઇંગ્લૅન્ડપ્રવાસ વખતે બીબીસી માટે મહેમાન કૉમેન્ટેટર હતા. તેઓ મૅચનું જીવંત વર્ણન કરવા કરતાં મૅચની આલોચના કરવા માટે વધુ પ્રસિદ્ધ હતા. તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1944માં બનારસ યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટર ઑફ લૉની ડિગ્રી આપી હતી. તેમની યાદમાં એક આંતર ઝોનલ યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિઝી ટ્રૉફી આપવામાં આવે છે. 1958માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
