જ. 29 ડિસેમ્બર, 1917 અ. 12 ડિસેમ્બર, 2005

ફિલ્મ અને ટીવી સિરિયલ ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક, પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક રામાનંદ સાગરનું મૂળ નામ તો ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું હતું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યકાર હોવાથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાહોર ખાતે અને ઉચ્ચશિક્ષણ તેમણે શ્રીનગરની કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું. સંસ્કૃત વિષય સાથે પંજાબ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી તેમણે સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી હતી અને પર્શિયન વિષયમાં સર્વાધિક ગુણ મેળવી ‘મુનશી ફઝલ’ નામની પદવી પણ હાંસલ કરી હતી. દહેજપ્રથાનો વિરોધ કરવાના કારણસર રામાનંદ સાગરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેથી ભરણપોષણના સાધન તરીકે તેમણે પટાવાળા, ટ્રક-ક્લીનર અને સાબુના વિક્રેતા તરીકે પણ કામગીરી કરી હતી. રાત્રિના સમયે ભણવાનું ચાલુ રાખી એ જ સમયમાં ‘ડાયરી ઑવ્ અ ટીબી પેશન્ટ’ નામે એક સર્જનકથા લખી, જે ‘અદલ-એ-મશરિક’ નામના તત્કાલીન જાણીતા સામયિકમાં હપતાવાર પ્રસિદ્ધ થઈ હતી જે તેમની પ્રથમ કૃતિ તરીકે ખૂબ લોકપ્રિય નીવડી. રામાનંદ સાગર શરૂઆતમાં ‘દૈનિક પ્રતાપ’ અને ત્યારબાદ ‘દૈનિક મિલાપ’માં જોડાયા હતા. 1948માં તેમની નવલકથા ‘ઔર ઇન્સાન મર ગયા’ પ્રકાશિત થઈ, જે ખૂબ લોકપ્રિય બનેલી. 1951માં તેમણે સાગર આર્ટસ’ની સ્થાપના કરી અને તેના નેજા હેઠળ 1951થી 1985ના ગાળામાં તેમણે 50 ચલચિત્રોનું નિર્માણ કર્યું. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’નું નિર્માણ તેમણે કર્યું હતું. દૂરદર્શન પર સળંગ 71 હપતામાં પ્રદર્શિત થયેલી દૃશ્ય-શ્રાવ્ય શ્રેણી ‘રામાયણ’ (1986-88) દેશ-વિદેશના કરોડો લોકોએ નિહાળી અને ખૂબ લોકપ્રિય રહી. ભારત સરકારે 2001માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા અને જમ્મુ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી પણ અર્પણ કરી હતી.
અશ્વિન આણદાણી
