હસ્તપ્રત


હાથે કરેલા કોઈ લખાણવાળી મૂળ પ્રત (મૅન્યુસ્ક્રિપ્ટ).

સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી. એ સમયમાં કવિઓ–વિદ્વાનો હાથ વડે ગ્રંથો લખતા. તેમની હસ્તપ્રતોની લહિયાઓ નકલો કરતા અને પેઢી-દર-પેઢી હસ્તપ્રતો જળવાઈ રહેતી. આવી હસ્તપ્રતો દ્વારા પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર પહેલાં કાચું લખાણ પથ્થરની કે લાકડાની પાટી પર કરતા. આમાં સુધારા કરીને પાકું લખાણ તૈયાર થઈ જાય એટલે ગ્રંથકાર પોતે અગર તેમના શિષ્ય વ્યવસ્થિત રીતે હસ્તપ્રત તૈયાર કરતા. આ પ્રથમ હસ્તપ્રત જે તે વિષયના નિષ્ણાતને આપવામાં આવતી જે તેમાં જરૂરી સુધારવધારા કરી આપતા. આ સુધારેલી હસ્તપ્રત લહિયાઓને નકલ કરવા માટે આપવામાં આવતી. મોટા ભાગે હસ્તપ્રતો ભોજપત્ર, તાડપત્ર કે હાથબનાવટના કાગળ પર લખેલી હોય છે. ટૂંકા તાડપત્ર પરનું લખાણ બે સ્તંભ(કૉલમ)માં કરાતું પરંતુ જો પત્ર લાંબા હોય તો ત્રણ સ્તંભમાં પણ કરાતું. પાનાં અસ્તવ્યસ્ત ન થઈ જાય તે માટે વચ્ચેના હાંસિયામાં કાણું પાડી તેમાંથી એક દોરી પસાર કરીને બાંધી રાખતા. જમણી બાજુના હાંસિયામાં પાનનો અંક અક્ષરમાં લખાતો અને ડાબા હાંસિયામાં તે અંક આંકડામાં લખાતો.

ભાગવત પુરાણની આશરે ૪૦૦ વર્ષ જૂની એક હસ્તપ્રતનું પાનું

બે કે ત્રણ સ્તંભમાં લખાણ કરાયું હોય તો તેની બંને બાજુ બે કે ત્રણ ઊભી રેખાઓ વડે સીમાંકન કરાતું. પ્રારંભિક કાળમાં હાથકાગળની પ્રતોમાં લંબાઈ પહોળાઈની બાબતમાં તાડપત્રનું અનુકરણ કરાતું, પરંતુ લખાણ બે-ત્રણ સ્તંભમાં નહિ પણ સળંગ લખાતું. સમય વીતતા આવી લાંબી પ્રતો લખવા, વાંચવા તેમ જ વહન માટે પ્રતિકૂળ જણાતાં તે પ્રતનું કદ ૧૨’’ X ૫’’ જેટલું કરી દેવાયું. લખાણની બંને બાજુએ હાંસિયો રખાતો અને તે કાળી શાહીની રેખાઓ વડે અંકિત થતો. ૧૬ના શતક બાદ લાલ શાહીનો ઉપયોગ થવા લાગ્યો. તાડપત્રીય પ્રતોની જેમ હાથકાગળમાં પણ કેન્દ્રમાં દોરી પસાર કરવા માટે કાણું પાડવા માટે કોરી જગ્યા રખાતી; પરંતુ હાથકાગળ તાડપત્રની જેમ સરળતાથી સરી જતો ન હોવાથી દોરી રાખવાની જરૂર રહેતી નહીં. આથી મોટે ભાગે આ જગ્યામાં પુષ્પો, બદામની આકૃતિ, ચોરસ કે ચોકડી રંગબેરંગી શાહીથી દોરાતાં. અધ્યાય કે સર્ગના લખાણનો પ્રારંભ મંગળ ચિહ્નો દ્વારા કરાતો. અંતમાં કેટલીક વાર ચક્ર, કમળ કે કળશ જેવી શોભા માટેની આકૃતિઓ દોરવામાં આવતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તપ્રત, પૃ. 142)