પુષ્પાવલ્લી


જ. 3 જાન્યુઆરી, 1926 અ. 28 એપ્રિલ, 1991

તમિલ અને તેલુગુ ફિલ્મજગતનાં અભિનેત્રી પુષ્પાવલ્લીનો જન્મ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પેન્ટાપડુ ગામમાં થયો હતો. મૂળ નામ કંડાલા વેંકટ પુષ્પાવલ્લી તાયારમ્મા હતું, પરંતુ પુષ્પાવલ્લીના નામથી જ ફિલ્મજગતમાં જાણીતાં થયાં. ‘સંપૂર્ણ રામાયણ’ ચલચિત્રમાં બાળકલાકાર તરીકે બાળસીતાનું પાત્ર ભજવી, ફિલ્મી દુનિયામાં શ્રીગણેશ કર્યા. ત્યારપછી બાળકલાકાર તરીકે અન્ય ચિત્રોમાં પાત્ર ભજવ્યાં. કુટુંબ માટે કલાકાર તરીકે મળતું મહેનતાણું ખૂબ આવશ્યક હતું. સતત ફિલ્મી સેટો પર સમય વીતતાં ફક્ત પાયાનું શિક્ષણ જ મેળવી શક્યાં. 1940માં વકીલ આઈ. વી. રંગાચારી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જોકે લગ્ન વધુ ના ટક્યાં અને 1946માં તેઓ જુદાં થયાં. રંગાચારી સાથેનાં લગ્નથી તેમને બે સંતાન થયાં. બાળકલાકારમાંથી તેઓ અભિનેત્રી તરીકે ચલચિત્રોમાં પાત્ર ભજવવા માંડ્યાં. જોકે મુખ્ય અભિનેત્રી તરીકે તેમનાં ખૂબ ઓછાં ચલચિત્રો હતાં. મોટા ભાગે તેઓ સહાયક અભિનેત્રી તરીકેનું જ પાત્ર ભજવતાં. બધું થઈને તેમણે કુલ 20-25 તેલુગુ અને તમિલ ચલચિત્રો કર્યાં હતાં. તેઓને ક્યારેય પોતાના અભિનય માટે પ્રશંસા મળી ન હતી. તેમનું ખૂબ વખણાયેલું ચલચિત્ર હતું ‘બાલા નાગમ્મા’ (1942), જેમાં સહાયક અભિનેત્રી તરીકે ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. 1947માં આવેલું ‘મીસ માલિની’ ક્રિટિક્સ દ્વારા વખાણાયેલું, પરંતુ બૉક્સઑફિસ પર નિષ્ફળ નીવડ્યું હતું. ‘મીસ માલિની’ ચલચિત્રથી તેઓ જેમિની ગણેશનના સંપર્કમાં આવ્યાં. ત્યારપછી પુષ્પાવલ્લી અને જેમિની ગણેશન સાથે રહેવા માંડ્યાં. બંને અગાઉથી પરણેલાં હોવાથી લગ્ન કરી શકે તેમ નહોતાં. જેમિની ગણેશનથી પુષ્પાવલ્લીને બે પુત્રીઓ થઈ. રેખા અને રાધા. રેખા એટલે હિન્દી ફિલ્મજગતની ખ્યાતનામ અભિનેત્રી. જેમિની ગણેશનને અભિનેતા તરીકે ખૂબ નામના મળી હતી. તેમણે ક્યારેય પણ રેખા અને તેની બહેન રાધાને પુત્રી તરીકે અપનાવ્યાં ન હતાં. ધીમે ધીમે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. દીકરીઓના ઉછેર માટે તેમણે નાની નાની ફિલ્મોમાં સાધારણ પાત્રો ભજવવાનું ચાલુ રાખ્યું. ત્યારપછી પુષ્પાવલ્લીએ સિનેમૅટોગ્રાફર કે. પ્રકાશ સાથે લગ્ન કર્યાં અને પોતાનું નામ કે. પુષ્પાવલ્લી કર્યું. વધુ બે સંતાનોને જન્મ આપ્યો. પુત્રી રાધા લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી છે. પુત્રી ધનલક્ષ્મીએ તેજ સપ્રુ સાથે લગ્ન કર્યાં છે જ્યારે પુત્ર ડાન્સર સેશુ 1991માં અવસાન પામ્યો હતો. 1991માં પુષ્પાવલ્લીનું ડાયાબીટિસના રોગના કારણે અવસાન થયું હતું.