જ. 4 જાન્યુઆરી, 1925 અ. 19 જુલાઈ, 2018

હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ ગોપાલદાસનો જન્મ ઉત્તરપ્રદેશના પુરાવલી ગામમાં થયો હતો. તેમણે છ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમણે 1942માં હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી. ઇટાવાની કચેરીમાં ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું પછી ટૉકીઝમાં નોકરી કરી. દિલ્હીમાં પણ ટાઇપિસ્ટની નોકરી કરી. નોકરી છૂટતાં કાનપુરની ડી.એ.વી. કૉલેજમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. વળી પાંચ વર્ષ સુધી ખાનગી કંપનીમાં ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે ભણવાનું ચાલુ રાખ્યું. તેઓ 1951માં બી.એ. અને 1953માં એમ.એ. થયા. એ પછી થોડો વખત મેરઠ કૉલેજમાં હિન્દીના અધ્યાપક બન્યા. કૉલેજના વહીવટીતંત્રે કેટલાક આરોપો મૂકતાં તેમણે રાજીનામું આપ્યું. તેઓ અલીગઢની ધર્મસમાજ કૉલેજમાં પ્રોફેસર અને અલીગઢની મંગલાયતન યુનિવર્સિટીના ચાન્સેલર પણ બન્યા હતા. તેઓ કાવ્યલેખન કરતા અને કવિસંમેલનોમાં ભાગ લેતા. કવિસંમેલનોમાં તેમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમને સૌપ્રથમ હિન્દી ફિલ્મ ‘નઈ ઉમર કી નઈ ફસલ’ માટે ગીત લખવાનું આમંત્રણ મળ્યું. એ ગીતો લોકપ્રિય બન્યાં. એ પછી તેમણે ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યાં, જેમાં ‘સિલસિલા’, ‘શર્મીલી’, ‘મેરા નામ જોકર’ અને ‘પ્રેમ પૂજારી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મુંબઈના જીવનથી કંટાળી તેઓ અલીગઢ ગયા. તેમણે અનેક લોકપ્રિય ગીતો લખ્યાં છે. જેવાં કે – ‘કાલ કા પહિયા ઘૂમે રે ભઈયા !’ ‘એ ભાઈ જરા દેખ કે ચલો’, ‘રંગીલા રે…’, ‘ખિલતે હૈં ગુલ યહાં….’, ‘લિખે જો ખત તુઝે…’, ‘ફૂલોં કે રંગ સે…’, ‘કરવટેં બદલતે રહે સારી રાત હમ…’, ‘જીના યહાં મરના યહાં…’, ‘મૈયા યશોદા…’, ‘ચૌદવી કા ચાંદ હો…’ વગેરે. તેમણે ‘સંઘર્ષ’, ‘અન્તર્ધ્વનિ’, ‘વિભાવરી’, ‘પ્રાણગીત’, ‘દર્દ દિયા હૈ’, ‘નદીકિનારે’, ‘તુમ્હારે લિયે’ જેવા કાવ્યસંગ્રહોથી હિન્દી પદ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેઓ સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકે ત્રણ વખત ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત થયા હતા. ઉત્તરપ્રદેશ સરકારે ભાષા સંસ્થાનના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરી કૅબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો હતો. તેમને વિશ્વઉર્દૂ પરિષદ પુરસ્કાર, યશભારતી પુરસ્કાર, પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ
