નરેન્દ્ર કોહલી


જ. 6 જાન્યુઆરી, 1940 અ. 17 એપ્રિલ, 2021

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક નરેન્દ્ર કોહલીનો જન્મ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. પિતા પરમાનંદ અને માતા વિદ્યાવતી. નરેન્દ્રનું પ્રારંભિક શિક્ષણ લાહોર અને સિયાલકોટમાં થયું હતું. દેશ-વિભાજન પછી પરિવાર ભારતમાં આવ્યો અને જમશેદપુરમાં સ્થાયી થયો. પછીનો અભ્યાસ જમશેદપુરમાં થયો. તેમણે જમશેદપુર કો-ઑપરેટિવ કૉલેજમાંથી બી.એ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત દિલ્હીની પી.જી.ડી.એ.વી. કૉલેજથી કરી. 1965માં મોતીલાલ નહેરુ કૉલેજ, દિલ્હીમાં જોડાયા અને 1 નવેમ્બર, 1995ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપન કર્યું. તેમને બાળપણથી જ લેખનનો શોખ હતો. આઠમા ધોરણમાં હતા ત્યારે શાળાના મુખપત્રમાં ઉર્દૂમાં ‘હિન્દુસ્તાન : જન્નત નિશાન’ વાર્તા પ્રકાશિત થઈ હતી એ પછી ‘કિશોર’, ‘અવાજ’ વગેરે સામયિકોમાં રચનાઓ પ્રગટ થઈ. તેમની નવલકથાઓમાં આધુનિકતા હોવા છતાં તે પાશ્ચાત્ય અસરથી મુક્ત છે. તેમણે ભારતની સાંસ્કૃતિક પરંપરા અને મૂલ્યોને પ્રતિબિંબિત કર્યાં છે. તેમણે રામાયણની કથાનો ઉપયોગ કરીને ચાર ખંડોમાં 1800 પાનાંની નવલકથા લખી. 1975માં ‘દીક્ષા’ના પ્રકાશનથી હિન્દી સાહિત્યમાં નવો યુગ શરૂ થયો. તેમણે શ્રીકૃષ્ણની કથા પર આધારિત ‘અભિજ્ઞાન’, મહાભારત આધારિત ‘મહાસમર’ અને સ્વામી વિવેકાનંદના જીવન આધારિત ‘તોડો કારા તોડો’ નવલકથા લખી. તેમણે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત નવલિકા, નાટક, વ્યંગ્ય, નિબંધ, પ્રવાસવર્ણન અને બાળસાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમનાં પુસ્તકોનો કન્નડ, નેપાળી, ઊડિયા, મરાઠી, અંગ્રેજી અને પંજાબી ભાષામાં અનુવાદ થયો છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2023થી તેમનો જન્મદિવસ 6 જાન્યુઆરી હિન્દી સાહિત્યજગતમાં ‘સાહિત્ય લેખક દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.